Home Gujarat Rajasthani Youth Loses Rs 29 Lakh While Buying Cheap Gold Bhuj Lcb Nabs Two Men In Matter Of Hours

સસ્તું સોનું લેવા જતા રાજસ્થાની યુવકે 29 લાખ ગુમાવ્યા : ભુજ LCBએ ગણતરીના કલાકોમાં બે શખ્સોને દબોચ્યા, 24 લાખ જપ્ત કર્યા

સસ્તું સોનું લેવા જતા રાજસ્થાની યુવકે 29 લાખ ગુમાવ્યા
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 04:36 AM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર સસ્તા સોનાના નામે છેતરપિંડીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર ભુજમાં રાજસ્થાનના એક યુવકને નિશાન બનાવી 29 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ મામલે પોલીસ એક્શન મોડમાં આવતા ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. ઠગાઈ આચરનાર ટોળકીના બે સભ્યોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. જો કે, આ કેસમાં હજુ એક આરોપી ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સસ્તું સોનું ખરીદવાની લાલચ ભારે પડી

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના એક યુવકને કચ્છમાં સસ્તું સોનું અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ઠગ ટોળકીએ યુવકનો વિશ્વાસ જીતી તેને 29 લાખ રૂપિયા સાથે ભુજ બોલાવ્યો હતો. સોનાની લાલચમાં આવી ગયેલા યુવકને ખ્યાલ નહોતો કે તે એક મોટી જાળમાં ફસાઈ રહ્યો છે. ઠગાઈ કરનાર ત્રિપુટીએ આયોજનબદ્ધ રીતે યુવક પાસેથી 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને સોનું આપ્યા વગર જ ફરાર થઈ ગયા હતા.

LCBની વીજળીક કાર્યવાહી: 24 લાખ રિકવર

છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે પોલીસનો સંપર્ક કરતા ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ ઠગ ટોળકીનો પીછો કર્યો અને ગણતરીના કલાકોમાં જ ત્રણ પૈકીના બે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની આ કાર્યવાહીમાં સૌથી મોટી સફળતા એ રહી કે પકડાયેલા આરોપીઓ પાસેથી ઠગાઈ કરેલી રકમ પૈકી 24 લાખ રૂપિયા રિકવર કરી લેવામાં આવ્યા છે.

ત્રણમાંથી બે પોલીસની ગિરફ્તમાં, એક હજુ ફરાર

પોલીસના જણાવ્યા અનુસાર, આ આખી ઠગાઈમાં કુલ ત્રણ શખ્સો સામેલ હતા. જેમાંથી બે આરોપીઓ હાલ LCBની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, આ ટોળકીનો ત્રીજો સાગરીત હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અન્ય લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી હોઈ શકે છે.

લોકો માટે ચેતવણી

મહત્વનું છે કે, કચ્છ પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે, કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા બજાર ભાવ કરતા સસ્તું સોનું આપવાની લાલચ આપવામાં આવે તો તેમાં ન આવવું. આવી લાલચો હંમેશા છેતરપિંડીમાં પરિણમે છે. ભુજની આ ઘટના એ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ ટૂંકા રસ્તે વધુ નફો મેળવવાની લાલચમાં પોતાની જીવનભરની મૂડી ગુમાવી બેસે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now