નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે રાજસ્થાનના કોટાથી વિદ્યાર્થીઓના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રવ્યાપી આંદોલન ‘છાત્રોની ગૂંજ’ની શરૂઆત કરશે. કોંગ્રેસે આ અભિયાનને માત્ર રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ દેશભરના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ અને યુવાનોના પ્રશ્નોને અવાજ આપવાનો પ્રયાસ ગણાવ્યો છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ‘છાત્રો કી ગૂંજ’ મહારેલી અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં પ્રદર્શન, સંવાદ, ચર્ચાસભાઓ અને જનજાગૃતિ અભિયાન યોજવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ફોકસ શિક્ષણ વ્યવસ્થા, પ્રશ્નપત્ર લીકની ઘટનાઓ, વધતી કોચિંગ ફી, બેરોજગારી અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર રહેશે.
કોટાથી શા માટે થઈ રહી છે શરૂઆત?
રાજસ્થાનનું કોટા શહેર દેશનું સૌથી મોટું કોચિંગ હબ માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET, JEE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોટામાં વિદ્યાર્થીઓના માનસિક તણાવ, આત્મહત્યા અને શિક્ષણના વધતા વ્યાપારીકરણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે.
આ કારણે કોંગ્રેસે પોતાના આંદોલનની શરૂઆત માટે કોટાની પસંદગી કરી હોવાનું માનવામાં આવે છે. પાર્ટીનું માનવું છે કે કોટા દેશના શિક્ષણ ક્ષેત્રની હાલની સ્થિતિ અને વિદ્યાર્થીઓના પડકારોનું પ્રતીક બની ગયું છે.
NEET અને પરીક્ષા પ્રણાલી મુદ્દે સરકારને ઘેરશે કોંગ્રેસ
કોંગ્રેસે NEET પ્રશ્નપત્ર લીક, વિવિધ ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને CBSE સહિતની પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતાના મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રશ્નપત્ર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. કોંગ્રેસનું કહેવું છે કે પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ જાળવવા માટે કડક અને પારદર્શક વ્યવસ્થા જરૂરી છે.
શિક્ષણ બજેટમાં ઘટાડાનો આક્ષેપ
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર શિક્ષણ ક્ષેત્રની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પાર્ટીના દાવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન શિક્ષણ માટે ફાળવાતા બજેટનો હિસ્સો એક દાયકા પહેલાંના 4.7 ટકાથી ઘટીને આશરે 2.4 ટકા સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસનું કહેવું છે કે શિક્ષણમાં પૂરતા રોકાણના અભાવને કારણે સરકારી શાળાઓ, ઉચ્ચ શિક્ષણ અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ પર નકારાત્મક અસર પડી છે. જોકે આ આંકડાઓ અને દાવાઓ અંગે સરકાર તરફથી અલગ અભિપ્રાયો પણ વ્યક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : '15 કરોડ લઈને પાર્ટી છોડનારાઓ પર શું ફૂલોનો વરસાદ કરીએ?' : બળવાખોર સાંસદોને ગાળો આપવાના આરોપો પર સંજય રાઉતનો પલટવાર
બેરોજગારી અને વિદ્યાર્થી આત્મહત્યાનો મુદ્દો પણ કેન્દ્રમાં
અભિયાન દરમિયાન કોંગ્રેસ યુવાનોમાં વધતી બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવશે. પાર્ટીના નિવેદન મુજબ દેશમાં સ્નાતક થયેલા યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક છે. સાથે જ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં થયેલા વધારાને લઈને પણ કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. પાર્ટીનું કહેવું છે કે શિક્ષણ પ્રણાલી પર વધતા દબાણ, સ્પર્ધા અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા અનેક વિદ્યાર્થીઓ માટે માનસિક પડકારો ઉભા કરી રહી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
કોંગ્રેસે NEET અને અન્ય પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પણ પુનરાવર્તિત કરી છે. પાર્ટીનું માનવું છે કે પરીક્ષા પ્રણાલીમાં વારંવાર ઊભી થતી સમસ્યાઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ.
બીજી તરફ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય અગાઉથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
દેશભરમાં વિસ્તરશે અભિયાન!
કોટાથી શરૂઆત બાદ આ અભિયાન ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI) અને યુવા કોંગ્રેસના નેતૃત્વ હેઠળ દેશના અન્ય શહેરોમાં પણ યોજાશે. કોંગ્રેસના કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી આગામી દિવસોમાં પ્રયાગરાજ, પટના અને દિલ્હી સહિતના શહેરોમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને સંબોધિત કરશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ અભિયાન દ્વારા કોંગ્રેસ આગામી સમયગાળામાં વિદ્યાર્થીઓ અને યુવા મતદારો સાથે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. NEET વિવાદ, બેરોજગારી અને શિક્ષણ જેવા મુદ્દાઓ આગામી સમયમાં દેશના રાજકીય ચર્ચા કેન્દ્રમાં રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : માત્ર GDP જ નહીં, વિકાસનો હેતુ પણ જુઓ... : G7માં PM મોદીએ દુનિયાને આપ્યો નવો મંત્ર





