Home Sports Questions Raised Against Bcas Planning For Ind Vs Nz Match Huge Anger Among Fans

IND vs NZ; વડોદરામાં ટિકિટ માટે ફેન્સમાં ભારે રોષ! : BCA ના આયોજન સામે ઉઠ્યા સવાલો, અડધી ટિકિટો જ ઓનલાઇન મુકાઇ!

IND vs NZ; વડોદરામાં ટિકિટ માટે ફેન્સમાં ભારે રોષ!
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 10:22 AM IST

Fans are excited about the ODI match between India and New Zealand: વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે આગામી 11 જાન્યુઆરીના રોજ રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI મેચને લઈને ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ મેચનો ઉત્સાહ હવે વિવાદમાં બદલાઈ રહ્યો છે. મેચ જોવા માટે આતુર ફેન્સને સતત બીજા દિવસે પણ ટિકિટ બુકિંગમાં નિરાશા મળી. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના આયોજન સામે ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓનલાઇન વિન્ડો ખુલતાની સાથે જ મિનિટોમાં ટિકિટો ગાયબ થઈ રહી છે.

ગણતરીની મિનિટોમાં ટિકિટો 'સોલ્ડ આઉટ'

ઓનલાઇન બુકિંગમાં ‘હાઉસફુલ’ BCA દ્વારા આ હાઇ-વોલ્ટેજ મેચ માટે ₹1,000 થી લઈને ₹7,500 સુધીની વિવિધ કેટેગરીમાં ટિકિટોના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ગુરુવારે અને શુક્રવારે સવારે 11 વાગ્યે જેવું ઓનલાઇન બુકિંગ શરૂ થયું, તે સાથે જ હજારો ચાહકો મોબાઈલ અને લેપટોપ લઈને તૈયાર હતા. પરંતુ ગણતરીની મિનિટોમાં જ સ્ક્રીન પર ‘Seat not selected due to full’ અને 'Sold out' ના મેસેજ આવતા ફેન્સ સ્તબ્ધ થઈ ગયા હતા. સિસ્ટમની આ ખામી કે પછી ટિકિટોની અછતને કારણે ફેન્સમાં ભારે અસંતોષ ફેલાયો છે.

ટિકિટ વિતરણનું ગણિત સૌથી મોટો વિવાદ

સૌથી મોટો વિવાદ ટિકિટોની સંખ્યાને લઈને છે. BCA દ્વારા 33,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે તેટલી જ ટિકિટો વેચાણ માટે ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો હતો. પરંતુ પ્રાપ્ત આંકડા મુજબ, ગુરુવારે 9,879 અને શુક્રવારે 6,640 મળીને કુલ 16,719 ટિકિટો જ સામાન્ય જનતા માટે ઓનલાઇન મૂકવામાં આવી હતી. એવી પ્રબળ ચર્ચા છે કે, બાકીની મોટી સંખ્યામાં ટિકિટો કોર્પોરેટ બોક્સ, BCCI અને BCA ના સભ્યો તથા VVIP મહેમાનો માટે અનામત રાખી દેવામાં આવી છે, જેના કારણે સામાન્ય ફેન્સના ભાગે બહુ ઓછી ટિકિટો આવી છે.

BCA સામે વિરોધ અને માંગણી

ટિકિટ ન મળતા આક્રોશમાં આવેલા ક્રિકેટ પ્રેમીઓ અને વિદ્યાર્થી સંગઠનો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. ગત રોજ NSUI દ્વારા BCA હાઉસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધકારીઓની સ્પષ્ટ માંગ છે કે, ટિકિટ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં આવે અને સ્થાનિક ફેન્સ માટે ઓફલાઇન કાઉન્ટર પરથી ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવે, જેથી સાચા ક્રિકેટ પ્રેમીઓ મેચનો આનંદ માણી શકે.

શું BCA નવી વ્યવસ્થા ઊભી કરશે?

વડોદરા માટે ઇન્ટરનેશનલ મેચનું યજમાન બનવું એ ગૌરવની વાત છે, પરંતુ હાલની પરિસ્થિતિએ ફેન્સનો મૂડ બગાડી રહી છે. એક તરફ શહેરમાં ક્રિકેટનો ઉત્સવ છે, તો બીજી તરફ BCA ની અસ્પષ્ટ નીતિ અને અવ્યવસ્થિત વહીવટની ટીકા થઈ રહી છે. હવે BCA આ મામલે શું સ્પષ્ટતા કરે છે અને નારાજ ફેન્સ માટે કોઈ નવી વ્યવસ્થા કરે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now