Census 2026 Questionaire: ભારતમાં ટૂંક સમયમાં 16મી વસ્તી ગણતરી (Census 2026) શરૂ થવા જઈ રહી છે. આ વખતે વસ્તી ગણતરીમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ડિજિટલ ડેટા કલેક્શન અને લિવ-ઈન રિલેશનશિપ જેવા આધુનિક સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા 33 પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેના આધારે દેશના દરેક નાગરિકની વિગતો નોંધવામાં આવશે.
પ્રથમ વખત ડિજિટલ અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી
આઝાદી પછી આ 16મી વસ્તી ગણતરી હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. આ વખતે સૌથી મોટો ફેરફાર એ છે કે વસ્તી ગણતરીમાં જ્ઞાતિ (Caste) માટે અલગ કોલમ રાખવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકો સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની વિગતો જાતે પણ ભરી શકશે (Self-Enumeration).
લિવ-ઈન રિલેશનશિપ અંગે મહત્વનો પ્રશ્ન
વસ્તી ગણતરીના 33 પ્રશ્નોમાં 'લિવ-ઈન રિલેશનશિપ' અંગેનો સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ગણતરી દરમિયાન પૂછવામાં આવશે કે લિવ-ઈનમાં રહેતા યુગલોના સંબંધો કેવા છે?
જો કોઈ યુગલ લગ્ન વગર સાથે રહે છે, તો તેઓ પોતાના સંબંધને કેવી રીતે જુએ છે?
જો તેઓ લાંબા સમયથી સાથે રહેતા હોય, તો તેમના સંબંધને 'સ્થિર સંબંધ' ગણીને તેમને વિવાહિત યુગલ જેવી જ શ્રેણીમાં મૂકવામાં આવી શકે છે.
વસ્તી ગણતરીમાં શું-શું પૂછવામાં આવશે?
આ વસ્તી ગણતરી માત્ર સંખ્યા જાણવા માટે નથી, પરંતુ ભવિષ્યની યોજનાઓ બનાવવા માટેનો એક ડેટાબેઝ છે. જેમાં નીચે મુજબની વિગતો લેવામાં આવશે:
ઘરની વિગતો: ઘરની બનાવટ, છત, દીવાલ અને ભોંયતળિયામાં વપરાયેલ મટિરિયલ.
પરિવારની માહિતી: પરિવારના વડાનું નામ, લિંગ, જ્ઞાતિ અને સભ્યોની સંખ્યા.
સુવિધાઓ: પીવાનું પાણી, વીજળી, વાહનોની સંખ્યા (સાયકલ, બાઇક, કાર) અને વ્યવસાય.
શિક્ષણ અને રોજગાર: પરિવારના સભ્યોનું શિક્ષણ અને તેઓ કયો વ્યવસાય કે નોકરી કરે છે તેની વિગત.
મકાન નંબર: નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા મકાન નંબરથી ગણતરીની શરૂઆત થશે.
સેલ્ફ-એન્યુમરેશન અને સમયગાળો
રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરી બે તબક્કામાં થશે: હાઉસ લિસ્ટિંગ (HLO) અને વસ્તી ગણતરી.
એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે નાગરિકો 'સેલ્ફ-એન્યુમરેશન' કરી શકશે. ઓનલાઇન વિગતો ભર્યા પછી 11 અંકનો ID જનરેટ થશે, જે ઘરે આવનાર અધિકારીને આપવાનો રહેશે. નાગરિકો દ્વારા આપવામાં આવેલી તમામ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. વસ્તી ગણતરી માટેની મોબાઈલ એપ 16 ભાષાઓમાં ઉપલબ્ધ હશે.
આ વસ્તી ગણતરીમાં શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને નોડલ અધિકારીઓ ઘરે-ઘરે જઈને માહિતી એકત્ર કરશે. તમામ સવાલોના જવાબ આપવા ફરજિયાત છે, તેથી સમજી-વિચારીને સચોટ માહિતી આપવી હિતાવહ છે.





