logo-img
Purnesh Modi Who Has Filed His Candidacy For The Post Of Deputy Speaker Of The Legislative Assembly

'મોદી સરનેમ'થી આવ્યા હતા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં : જાણો કોણ છે પૂર્ણેશ મોદી, જેમણે વિધાનસભા ઉપાધ્યક્ષ પદની નોંધાવી છે ઉમેદવારી

'મોદી સરનેમ'થી આવ્યા હતા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં
Published by: Offbeat Team
| Last Updated: Feb 13, 2026, 06:35 AM IST

પૂર્ણેશ મોદીએ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ જગ્યા ખાલી થઈ હતી અને હવે પૂર્ણેશ મોદી આ પદ માટે મુખ્ય દાવેદાર તરીકે આગળ આવ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ જ ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનશે.

‘મોદી સરનેમ’ મામલે પણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું

પૂર્ણેશ મોદીનું નામ અગાઉ ‘મોદી સરનેમ’ મામલે પણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું હતું. આ કેસમાં ફરિયાદી તરીકે તેમનું નામ સામે આવ્યું હતું, જેના પગલે રાહુલ ગાંધીએ સાંસદપદ ગુમાવવું પડ્યું હતું.

સુરત પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય

પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર 1965ના રોજ સુરતમાં થયો હતો. તેઓ હાલ સુરત પશ્ચિમ મતવિસ્તારથી ધારાસભ્ય છે. તેમની રાજકીય સફર સ્થાનિક સ્તરથી શરૂ થઈ હતી. વર્ષ 2000થી 2005 દરમિયાન તેઓ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહ્યા હતા. ઉપરાંત 2009થી 2012 અને ફરી 2013થી 2016 દરમિયાન તેઓ સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

પેટાચૂંટણીમાં ભાજપે પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવ્યા અને વિધાનસભામાં પહોંચ્યા

વર્ષ 2013માં તત્કાલીન ધારાસભ્ય કિશોરભાઈના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ જીત્યા હતા. આ જીત સાથે તેઓ 13મી વિધાનસભામાં (2013-17) પ્રથમ વખત ગૃહમાં પહોંચ્યા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કમળના નિશાન પર લડી તેઓ ફરી જીત્યા અને તેમને 1 લાખ 11 હજાર મત મળ્યા હતા.

કેબિનેટ મંત્રી બન્યા અને કેટલાક ખાતાઓ પણ છીનવાયા!

13 સપ્ટેમ્બર 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાઈ ત્યારે પૂર્ણેશ મોદીને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું. તેઓ માર્ગ અને મકાન વિભાગના મંત્રી બન્યા હતા. જોકે ઓગસ્ટ 2022માં અચાનક તેમની પાસેથી માર્ગ અને મકાન વિભાગ છીનવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની પાસે વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગોની જવાબદારી રહી હતી.

બીજી ભૂપેન્દ્ર પટેલ સરકાર રચાઈ મંત્રી પદ ના મળ્યું પણ હવે ઉપાધ્યક્ષ બનશે!

પછી બીજીવાર નવી ભૂપેન્દ્ર પટેલ સરકાર રચાઈ ત્યારે પૂર્ણેશ મોદીને મંત્રિમંડળમાં સ્થાન અપાયું ન હતું. હવે તેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે મેદાનમાં ઉતર્યા છે અને તેમના નામને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now