પંજાબ પોલીસે શુક્રવારથી શનિવારની મધરાત્રે અનેક વિસ્તારોમાં પોલીસે અચાનક નાકાબંધી શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ચંદીગઢ સહિત આશરે 12 સ્થળોએ અખબારો લઈ જતા વાહનોને તપાસ માટે રોકવામાં આવ્યા હતા. આ કાર્યવાહી રાત્રે 10 વાગ્યાથી શરૂ થઈને સવાર સુધી ચાલી હતી. પરિણામે, ઘણા વિસ્તારોમાં અખબારો સમયસર ન પહોંચતાં વિતરણ પ્રભાવિત થયું હતું.
પોલીસ સૂત્રો અનુસાર, હથિયાર અને ડ્રગ્સની હેરફેર અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ચંદીગઢથી રોપર તરફ જતા વાહનોને રોકીને તપાસ કરવામાં આવી હતી.
રવિવારની સવારે લુધિયાણા શહેરમાં પણ પોલીસે અનેક જગ્યાએ અચાનક નાકાબંધી કરી. વિતરકોના જણાવ્યા પ્રમાણે, રવિવારનો દિવસ પહેલેથી જ વ્યસ્ત રહે છે અને આ કાર્યવાહીથી વિતરણ કાર્ય વધુ મુશ્કેલ બન્યું હતું. પોલીસ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પડ્યું નથી.
લુધિયાણા કોતવાલી પોલીસ સ્ટેશનના SHO સુલખાન સિંહે જણાવ્યું કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી તપાસ ચાલુ રહી હતી. પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે આ તપાસ ખાસ અખબારના વાહનો માટે હતી કે બધા વાહનો માટે, ત્યારે તેમણે કહ્યું કે “અમે મળેલા ઇનપુટ મુજબ તમામ વાહનોની યાદી બનાવી તપાસ કરી છે, અને આ બાબતે વિગત વરિષ્ઠ અધિકારીઓ જ આપશે.”
રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં અખબાર વિતરણમાં વિલંબ
કોટકપુરા અને ફરીદકોટ: રવિવારે સવારે આ બંને વિસ્તારોમાં અખબારોનો પુરવઠો ખોરવાઈ ગયો. વિતરકોના જણાવ્યા મુજબ, રસ્તામાં પોલીસ દ્વારા અનેક વાહનો રોકાયા હતા, જેના કારણે અખબારો સમયસર ન પહોંચ્યા.
ફાઝિલ્કા: અહીં ફક્ત ભાસ્કર અને એક અન્ય અખબાર જ વિતરણમાં પહોંચ્યા. અન્ય અખબારોના વાહનોને રસ્તામાં રોકવામાં આવ્યા હતા.
અબોહર: SHO એ શરૂઆતમાં ભાસ્કરનું વાહન રોક્યું, પરંતુ બાદમાં વિતરણની મંજૂરી આપી. ચાર અલગ ચેકપોઇન્ટ બનાવી તપાસ હાથ ધરાઈ હતી.
બાર્નાલા: અખબારો અહીં સામાન્ય સમય કરતાં લગભગ દોઢ કલાક મોડા પહોંચ્યા. અનેક પ્રકાશનોના વાહનોની તપાસ થતાં વિલંબ થયો.
નવાશહેર અને હોશિયારપુર: અખબારો સવારે આશરે 6:30 વાગ્યે પહોંચ્યા. પોલીસ તપાસને કારણે વિતરણમાં વિલંબ થયો હતો.
પઠાણકોટ અને બટાલા: પઠાણકોટ સુધી અખબારોનો પુરવઠો પહોંચ્યો હતો, પરંતુ બટાલામાં વાહનો હજુ અટવાયેલા હતા.
તાપા મંડી (ભટિંડા): સ્થાનિક વિતરક રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે સવારે 4 વાગ્યે તાપા મંડીમાં પોલીસએ તેમનું વાહન અટકાવ્યું અને સંપૂર્ણ તપાસ કરી. અધિકારીઓએ અખબારના બંડલો ઉતાર્યા અને પૂછ્યું કે તેમાં હિન્દી તેમજ પંજાબી અખબારો છે કે નહીં. અડધો કલાક ચાલેલી તપાસ બાદ જ વાહનને રવાના થવાની મંજૂરી અપાઈ.
પંજાબમાં પોલીસની આ રાત્રિ કાર્યવાહીથી અખબાર વિતરણમાં વ્યાપક વિક્ષેપ નોંધાયો છે. હજી સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અભિયાન અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી.






