પંજાબના મોહાલીમાં ફોર્ટિસ હોસ્પિટલ અને ઘણી પ્રાઇવેટ શાળાઓને 'ખાલિસ્તાન નેશનલ આર્મી' તરફથી બોમ્બ ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ સંદેશમાં બોમ્બ વિસ્ફોટનો સમય બપોરે 1:11 વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ હાઈ એલર્ટ પર હતી. 
નોંધનીય છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રવિવારથી સ્વાસ્થ્યના કારણોસર ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ઈમેલમાં તેમની હાજરીનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી છે.
પોલીસે ઝડપથી કાર્યવાહી કરી, શાળાઓ ખાલી કરાવી અને બોમ્બ સ્ક્વોડની મદદથી મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે.
ધમકીભર્યા ઈમેલમાં CM માન વિશે લખવામાં આવ્યું છે કે ભાઈ દિલાવર સિંહના વારસદારોએ તેમને પોલોનિયમથી સંક્રમિત કર્યા છે. જો તેઓ બચી જશે તો બેઅંત જેવી હાલત કરશે. ફોર્ટિસ હોસ્પિટલમાંથી CM ભગવંત માનનો મૃતદેહ જ બહાર આવશે. તમને જાણવી દઈએ કે, પંજાબના દિવંગત પૂર્વ CM બેઅંત સિંહને ચંદીગઢ સચિવાલયમાં માનવ બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા.




















