logo-img
President Murmu Created History By Flying In A Helicopter Near The Pakistan Border And Conducting A Sky Survey

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ : રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ઇતિહાસ રચ્યો, વાયુસેનાના ગણવેશમાં દેખાયો અનોખો અંદાજ

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 27, 2026, 07:46 AM IST

ભારતીય સૈન્યના ઈતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. દેશના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે રાજસ્થાનના જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) 'પ્રચંડ' માં ઉડાન ભરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાથે જ તેઓ 'પ્રચંડ' હેલિકોપ્ટરમાં કો-પાયલટ તરીકે ઉડાન ભરનાર દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. રાષ્ટ્રપતિની આ ઉડાન ભારતની સંરક્ષણ ક્ષેત્રે વધતી આત્મનિર્ભરતા અને નારી શક્તિના સાહસનું પ્રતિક બની રહી છે.

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ અગાઉ સુખોઈ-30 MKI અને રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે. ત્રણેય શક્તિશાળી યુદ્ધવિમાનોમાં ઉડાન ભરવાની ક્ષમતા ધરાવનાર તેઓ દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે. શુક્રવારે સવારે જ્યારે તેઓ વાયુસેનાના ડ્રેસમાં સજ્જ થઈને રન-વે પર ઉતર્યા ત્યારે વાયુસેનાના જવાનો અને અધિકારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમની આ ઉડાન પાકિસ્તાન સરહદની નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સરહદી વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ: 'પ્રચંડ'ની ઘાતક શક્તિનો અનુભવ

સવારે લગભગ 9:15 વાગ્યે વાયુસેના સ્ટેશન પહોંચેલા રાષ્ટ્રપતિને સૈન્ય અધિકારીઓએ 'પ્રચંડ' હેલિકોપ્ટરની ટેકનોલોજી અને તેની સચોટ મારક ક્ષમતા વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. ત્યારબાદ સવારે 10:15 વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ. બહુઆ સાથે તેમણે આકાશમાં ઉડાન ભરી હતી. આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ હેલિકોપ્ટર ખાસ કરીને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં દુશ્મનો પર ત્રાટકવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

પોખરણમાં ગુંજશે ભારતીય વાયુસેનાનો નાદ: 'વાયુ શક્તિ-2026'

ઉડાન બાદ રાષ્ટ્રપતિ સાંજે પોખરણ ખાતે ભારતીય વાયુસેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ 'વાયુ શક્તિ-2026' ના સાક્ષી બનશે. આ શૌર્ય પ્રદર્શનમાં ભારત પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે, જેમાં સ્વદેશી તેજસ, સુખોઈ અને રાફેલ જેવા વિમાનો પોતાની ઘાતક ક્ષમતા બતાવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત સેનાના ટોચના કમાન્ડરો ઉપસ્થિત રહેશે.

શું છે 'પ્રચંડ' હેલિકોપ્ટરની ખાસિયત?

'પ્રચંડ' એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવેલું વિશ્વનું એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે જે 5,000 મીટર (16,400 ફૂટ) ની ઊંચાઈએ લેન્ડિંગ અને ટેક-ઓફ કરી શકે છે. તેમાં અત્યાધુનિક શસ્ત્રો, રડાર અને સેન્સર લગાવવામાં આવ્યા છે જે રાતના અંધારામાં પણ દુશ્મનનો સચોટ શિકાર કરી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા આ હેલિકોપ્ટરની ઉડાન ભરવી એ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન માટે પણ ગૌરવની ક્ષણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now