Home Gujarat Police Raided A Farm House In Bharuch

ભરૂચમાં પોલીસે ફાર્મ હાઉસ પર પાડ્યા દરોડા : 9થી 10 જેટલા લોકોને પીધેલી હાલતમાં ઝડપ્યા, કાર્યવાહી હાથધરી

ભરૂચમાં પોલીસે ફાર્મ હાઉસ પર પાડ્યા દરોડા
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 11:09 AM IST

Bharuch Police Action : ન્યૂ યર પૂર્વે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક કાર્યવાહી હેઠળ ભરૂચ સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે તવરા–શુકલતીર્થ માર્ગ પર આવેલા ભગુ કૃપા ફાર્મ હાઉસમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દારૂની મહેફિલ માણી રહ્યા છે.

ફાર્મ હાઉસ પર પોલીસના દરોડા

પ્રાપ્ત થયેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં 9થી 10 જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર 9 શખ્સોને ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી, જેના કારણે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની ગેરકાયદેસર મહેફિલનો પર્દાફાશ થયો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ, નમકીન સહિત કુલ રૂ. 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેત ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામીત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી

ભરૂચ સી ડિવિઝન પોલીસે જણાવ્યું છે કે, ન્યૂ યરની ઉજવણી દરમિયાન જિલ્લામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ સંપૂર્ણ સતર્ક છે. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ન્યૂ યરની ઉજવણી શાંતિપૂર્ણ અને કાયદાના દાયરામાં રહીને કરે તથા દારૂ, નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહી પોલીસને સહકાર આપે. આ કાર્યવાહીએ જિલ્લામાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો તોડનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now