PM Surya Ghar Yojana: વધતી ગરમી અને ભેજ વચ્ચે દેશભરમાં એર કંડિશનર, કુલર અને રેફ્રિજરેટર જેવા વીજ ઉપકરણોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેના કારણે મોટાભાગના પરિવારો માટે વીજળીનું બિલ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' (PM Surya Ghar: Muft Bijli Yojana) સામાન્ય લોકોને મોટી રાહત આપી રહી છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ મેળવી શકાય છે. આ યોજના માત્ર વીજળીનું બિલ ઘટાડવા પૂરતી મર્યાદિત નથી. સરકાર સોલર પેનલ સ્થાપન માટે લાખો પરિવારોને સબસિડી પણ આપી રહી છે, જેના કારણે શરૂઆતનો ખર્ચ પણ ઘણો ઓછો થઈ જાય છે. જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી, તો માત્ર પાંચ મિનિટમાં ઓનલાઈન અરજી કરીને તમે પણ આ યોજનાનો ભાગ બની શકો છો.
શું છે PM Surya Ghar: Muft Bijli Yojana?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવાનો હેતુ રાખીને PM Surya Ghar: Muft Bijli Yojana શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય પરિવારોને સસ્તી અને સ્વચ્છ ઊર્જા ઉપલબ્ધ કરાવવાનો તેમજ વીજળીના વધતા ખર્ચમાંથી રાહત આપવાનો છે. યોજના હેઠળ ઘરની છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે, જેના દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ઘરગથ્થુ જરૂરિયાતો માટે કરી શકાય છે. પરિણામે દર મહિને વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
અત્યાર સુધી કેટલા પરિવારોને મળ્યો લાભ?
કેન્દ્ર સરકારના ઉપલબ્ધ આંકડા મુજબ માર્ચ 2026 સુધીમાં દેશભરના આશરે 26.19 લાખથી વધુ ઘરો આ યોજના હેઠળ જોડાઈ ચૂક્યા છે. સરકારનું લક્ષ્ય આગામી સમયમાં આ સંખ્યા વધારીને 1 કરોડ પરિવારો સુધી પહોંચાડવાનું છે. યોજનાની લોકપ્રિયતા સતત વધી રહી છે કારણ કે સબસિડીની સરળ પ્રક્રિયા અને લાંબા ગાળાની બચત લોકોને આકર્ષી રહી છે.
આ પણ વાંચો: NPSમાં સરકારનો મોટો નિર્ણય : 75% સુધી ઇક્વિટી રોકાણની મંજૂરી, જાણો તમારા પર શું પડશે અસર
દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી
આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે લાભાર્થીઓને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ મળી શકે છે. જેના કારણે એર કંડિશનર, કુલર, ફ્રિજ સહિતના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે વીજળીના બિલની ચિંતા ઘણી ઓછી થઈ જાય છે. જો સોલર સિસ્ટમથી વધારાની વીજળી ઉત્પન્ન થાય તો તે ગ્રીડમાં મોકલી શકાય છે, જેના માટે નેટ મીટરિંગની સુવિધા ઉપલબ્ધ છે.
સોલર પેનલ પર કેટલી મળશે સબસિડી?
કેન્દ્ર સરકાર સોલર પેનલની ક્ષમતાના આધારે સબસિડી આપે છે. આ સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. 1 kW થી 2 kW સુધીની સોલર સિસ્ટમ માટે અંદાજે રૂ.30,000થી રૂ.60,000 સુધીની સબસિડી મળે છે. 2 kW થી 3 kW અથવા તેનાથી વધુ ક્ષમતાની સોલર સિસ્ટમ માટે સરકાર રૂ.60,000થી રૂ.78,000 સુધીની સબસિડી આપે છે. મહત્તમ સબસિડીની મર્યાદા રૂ.78,000 રાખવામાં આવી છે.
એક વખત સોલર પેનલ લગાવો, વર્ષો સુધી બિલથી રાહત
સોલર પેનલ્સનું સરેરાશ આયુષ્ય લગભગ 25 વર્ષનું હોય છે. એટલે એક વખત સોલર સિસ્ટમ સ્થાપિત કર્યા બાદ લાંબા સમય સુધી વીજળીના બિલમાં મોટી બચત થઈ શકે છે.
આ યોજના પર્યાવરણને અનુકૂળ ઊર્જાને પ્રોત્સાહન આપવાની સાથે સામાન્ય પરિવારોના માસિક ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરે છે.
આ પણ વાંચો: માત્ર ₹500થી શરૂ કરો SIP : લાંબા ગાળે બનાવી શકો છો મોટું ભંડોળ, જાણો સંપૂર્ણ ગણતરી
ઓનલાઈન અરજી કરવાની સરળ પ્રક્રિયા
PM Surya Ghar યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. સૌપ્રથમ PM Surya Gharના સત્તાવાર પોર્ટલ પર જઈ 'Apply for Rooftop Solar' વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમારી રાજ્યની વીજ વિતરણ કંપની (DISCOM) પસંદ કરીને ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઈ-મેલ દાખલ કરો. નોંધણી પૂર્ણ થયા પછી લોગિન કરીને રૂફટોપ સોલર માટે અરજી ફોર્મ ભરો. પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ DISCOMમાં નોંધાયેલા અધિકૃત વેન્ડર દ્વારા તમારા ઘરે સોલર પેનલ સ્થાપિત કરાવી શકાય છે. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ નેટ મીટર માટે અરજી કરવી પડે છે. DISCOM દ્વારા નિરીક્ષણ અને નેટ મીટર સ્થાપિત થયા પછી કમિશનિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. ત્યારબાદ પોર્ટલ પર બેંક ખાતાની વિગતો અને કેન્સલ ચેક અપલોડ કર્યા બાદ સરકાર દ્વારા મંજૂર થયેલી સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
કોને મળશે સૌથી વધુ લાભ?
જે પરિવારોનું માસિક વીજળીનું બિલ વધારે આવે છે અથવા જે લોકો લાંબા ગાળે વીજળીના ખર્ચમાં બચત કરવા માંગે છે, તેમના માટે PM Surya Ghar યોજના ખૂબ જ લાભદાયી બની શકે છે. સરકારની સબસિડી, 300 યુનિટ સુધીની મફત વીજળી અને લગભગ 25 વર્ષ સુધી ચાલતી સોલર સિસ્ટમને કારણે આ યોજના સામાન્ય પરિવારો માટે આર્થિક રીતે ફાયદાકારક માનવામાં આવે છે.





