Home International Pm Modi Talks To Donald Trump Ahead Of India Us Trade Deal Finalization

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થવાની તૈયારી? : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થવાની તૈયારી?
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 04:34 PM IST

નવી દિલ્હીમાં ભારત અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વ્યાપાર સમજૂતીને લઈને અત્યારે મહત્વપૂર્ણ મંત્રણા ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલને આખરી ઓપ આપવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ હાલ દિલ્હીમાં હાજર છે.

પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે વાતચીત દરમિયાન ભારત અને યુએસ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વેપાર, ક્રિટિકલ ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બંને નેતાઓ વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને પરસ્પર હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. ટ્રમ્પ અગાઉ પણ નિવેદન આપી ચૂક્યા છે કે ટૂંક સમયમાં જ અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ જશે.

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું છે કે ભારતે અમેરિકન પક્ષને અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ પ્રસ્તાવ રજૂ કર્યો છે. વોશિંગ્ટન ડીસીમાં સેનેટની એક સમિતિ સમક્ષ તેમણે માહિતી આપી હતી કે અમેરિકી ટ્રેડ ટીમ હાલ ભારતમાં છે અને ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલા અવરોધો પર ચર્ચા કરી રહી છે. જોકે ભારત પોતાના ડેરી અને કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે સંપૂર્ણપણે ખોલવા ઈચ્છતું નથી કારણ કે ભારતમાં કરોડો લોકોની રોજીરોટી દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી છે. જેમિસન ગ્રીરે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે વાતચીત દરમિયાન ભારતનું વલણ ખૂબ જ સકારાત્મક રહ્યું છે.

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે 11 ડિસેમ્બર 2025ના રોજ સ્પષ્ટતા કરી હતી કે જો અમેરિકા ભારતના પ્રસ્તાવથી સંતુષ્ટ છે તો તેમણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA પર હસ્તાક્ષર કરી દેવા જોઈએ. તેમણે અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો તેઓ ખુશ છે તો વિલંબ કર્યા વગર કરાર પર મહોર મારવી જોઈએ. વેપાર સમજૂતીને લઈને અમેરિકા સાથે અત્યાર સુધીમાં વાતચીતના પાંચ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. જોકે તેમણે FTA પર હસ્તાક્ષર ક્યારે થશે તે અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી ન હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now