Home International Pm Modi Likely To Visit Oman And Jordan India West Asia Relations Cepa Deal

PM મોદી જોર્ડન, ઓમાનની લઈ શકે છે મુલાકાત : આરબ દેશો સાથે સંબંધો મજબૂત કરવા ભારતની મોટી તૈયારી

PM મોદી જોર્ડન, ઓમાનની લઈ શકે છે મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 04:15 PM IST

ભારત સરકાર હાલમાં પશ્ચિમ એશિયાના દેશો સાથે પોતાના રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે રણનીતિક રીતે આગળ વધી રહી છે. આ દિશામાં એક મહત્વનું પગલું ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ મહિનામાં જ ઓમાન અને જોર્ડનના પ્રવાસે જાય તેવી પ્રબળ શક્યતા છે. આરબ દેશો સાથે સીધો સંપર્ક વધારવા અને વ્યાપારિક ગતિવિધિઓને તેજ કરવા માટે આગામી એક બે મહિનામાં ભારત દ્વારા અનેક નવી પહેલ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદીની આ મુલાકાત વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે. ખાસ કરીને ભારત અને ઓમાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે કે CEPA અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાનની આ યાત્રા દરમિયાન આ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે અને તેને આખરી ઓપ આપવામાં આવશે.

માત્ર વિદેશ પ્રવાસ જ નહીં પરંતુ ભારત આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં આરબ દેશોના વિદેશ મંત્રીઓ સાથે એક મોટી બેઠકનું આયોજન પણ કરવા જઈ રહ્યું છે. ભારત અને આરબ લીગના સહયોગ હેઠળ યોજાનારી આ મેગા ઈવેન્ટ માટે વિદેશ મંત્રાલય દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આરબ રાષ્ટ્રોને આમંત્રણ મોકલવાની પ્રક્રિયા પણ ગતિમાં છે. આ બેઠક ભારતની વધતી જતી વૈશ્વિક શાખનું પ્રતીક બનશે.

આ આગામી બેઠકમાં સૌથી રસપ્રદ બાબત સીરિયાની હાજરી હોઈ શકે છે. એવા સંકેતો મળ્યા છે કે સીરિયાના વિદેશ મંત્રી અસદ અલ શૈબાની પણ આ બેઠકમાં ભાગ લેવા ભારત આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય અધિકારીઓએ અગાઉ દમાસ્કસની મુલાકાત લીધી હતી અને ભારતે ત્યાં માનવતાના ધોરણે મદદ પણ પહોંચાડી હતી. સીરિયામાં સત્તામાં આવેલા પરિવર્તન બાદ પણ ભારત ત્યાંની નવી વ્યવસ્થા સાથે સંબંધો સુધારવા માટે પ્રયત્નશીલ છે જે ભારતની કુનેહભરી વિદેશ નીતિ દર્શાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now