Home International Pm Modi Jordan Visit King Abdullah Gaza Terrorism Talks Pakistan Message

PM નરેન્દ્ર મોદીએ જોર્ડનમાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરી મુલાકાત : આતંકવાદ મામલે પાકિસ્તાન પર આકરા પ્રહાર

PM નરેન્દ્ર મોદીએ જોર્ડનમાં કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરી મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 07:05 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસીય ઐતિહાસિક મુલાકાતે જોર્ડન પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ વચ્ચે વેપાર, ડિજિટલ ટેક્નોલોજી, ખાતર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. ભારત અને જોર્ડન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગાઝા અને આતંકવાદ પર ભારતનું વલણ

કિંગ અબ્દુલ્લા સાથેની વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગાઝાની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે જરૂરી છે અને આ માટે જોર્ડનની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાથે જ પીએમ મોદીએ આતંકવાદને લઈને કડક શબ્દોમાં સંદેશ આપ્યો હતો. તેમણે કોઈ પણ દેશનું નામ લીધા વગર સ્પષ્ટ કર્યું કે આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા માટે એકજૂથ થવું પડશે. તેમનો આ ઈશારો પાકિસ્તાન તરફ હોવાનું માનવામાં આવે છે.

વેપાર અને આર્થિક સંબંધો

ભારત અને જોર્ડન વચ્ચે આર્થિક સંબંધો પણ મજબૂત બની રહ્યા છે. જોર્ડન ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચે 2.8 અબજ ડોલરનો વેપાર છે. ખાસ કરીને ફોસ્ફેટ અને પોટાશ જેવા ખાતરોના પુરવઠામાં જોર્ડન ભારત માટે મહત્વનો દેશ છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત

પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી જોર્ડનમાં વસતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. જોર્ડનમાં 17500 થી વધુ ભારતીયો વસવાટ કરે છે જે બાંધકામ અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રોમાં યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત પીએમ મોદી ઐતિહાસિક શહેર પેટ્રાની પણ મુલાકાત લઈ શકે છે જે પ્રાચીન સમયથી ભારત સાથેના વેપારી સંબંધોનું સાક્ષી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now