PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 20 રાજ્યોમાં પુનર્વિકસિત કરાયેલા 75 રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે. અંદાજે ₹1,570 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેશનોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ સહિત અનેક રાજ્યોના મહત્વના સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે મુસાફરોને એરપોર્ટ જેવી સુવિધાનો અનુભવ મળે તે રીતે વિકસાવવામાં આવ્યા છે.
મુસાફરોને મળશે હાઈ-ટેક સુવિધાઓ
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત સ્ટેશનોમાં મુસાફરો માટે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક મુખ્ય પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટ, વિશાળ વેઇટિંગ હોલ, આધુનિક એક્ઝિક્યુટિવ લાઉન્જ, સ્વચ્છ શૌચાલયો અને કેફેટેરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર સ્ટેશન પરિસરમાં હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અને આધુનિક સૂચના વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, વિશેષ શૌચાલય અને સરળ અવરજવર માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
સ્થાનિક સંસ્કૃતિને અપાયું મહત્વ
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર દરેક સ્ટેશનની ડિઝાઇન તે શહેરની સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને સ્થાપત્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. રાજસ્થાનના સ્ટેશનોમાં પરંપરાગત રાજસ્થાની સ્થાપત્ય, પંજાબમાં સ્થાનિક સાંસ્કૃતિક વારસો અને અન્ય રાજ્યોમાં સ્થાનિક ઓળખને પ્રતિબિંબિત કરતી ડિઝાઇન અપનાવવામાં આવી છે.
આ પહેલનો હેતુ માત્ર મુસાફરોને સારી સુવિધા આપવાનો જ નહીં પરંતુ સ્થાનિક પ્રવાસનને પણ પ્રોત્સાહન આપવાનો છે.
ગુજરાતને મળશે 4 નવા અમૃત ભારત સ્ટેશન
ગુજરાતમાં આજે ચાર પુનર્વિકસિત અમૃત ભારત સ્ટેશનોનું લોકાર્પણ થશે.
પ્રતાપનગર (વડોદરા) – અંદાજિત ખર્ચ ₹72 કરોડ
ભક્તિનગર (રાજકોટ) – અંદાજિત ખર્ચ ₹24 કરોડ
પોરબંદર – અંદાજિત ખર્ચ ₹7 કરોડ
ગોધરા – અંદાજિત ખર્ચ ₹6 કરોડ
આ ચારેય સ્ટેશનોમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
સૌથી વધુ ખર્ચ આ સ્ટેશનો પર
પુનર્વિકાસ માટે સૌથી વધુ ખર્ચ નીચેના સ્ટેશનો પર કરવામાં આવ્યો છે:
જૈસલમેર (રાજસ્થાન) – ₹140 કરોડ
જાલંધર કન્ટ (પંજાબ) – ₹99 કરોડ
પ્રતાપનગર (ગુજરાત) – ₹72 કરોડ
જલપાઈગુડી રોડ (પશ્ચિમ બંગાળ) – ₹35 કરોડ
ફતેહપુર (ઉત્તર પ્રદેશ) – ₹33 કરોડ
કાલકા (હરિયાણા) – ₹31 કરોડ
કયા રાજ્યોને મળશે લાભ?
આ યોજના હેઠળ ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ જેવા કુલ 20 રાજ્યોના 75 સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બંગાળમાં અમિત શાહનો હાઈ-પ્રોફાઇલ પ્રવાસ : BSFથી લઈને વહીવટી અધિકારીઓ સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
શા માટે મહત્વપૂર્ણ છે અમૃત ભારત સ્ટેશન યોજના?
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છે. આ યોજના દ્વારા મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સ્વચ્છ મુસાફરીનો અનુભવ મળશે. સાથે જ સ્ટેશનોને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડીને શહેરોની ઓળખને પણ નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે.





