Indian Navy: ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં એક મહત્વપૂર્ણ સમારોહ દરમિયાન ત્રણ સ્વદેશી નૌકાદળ પ્લેટફોર્મ – INS અગ્રયા, INS સંશોધન અને INS દુનાગિરી –ને ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કર્યા. આ ત્રણેય જહાજો ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા બનાવવામાં આવ્યા છે અને તે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધતી ક્ષમતાનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
ભારતીય નૌકાદળની શક્તિમાં થયો મોટો વધારો
કોલકાતાના બંદર ખાતે યોજાયેલા કમિશનિંગ સમારોહમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં INS દુનાગિરી, INS સંશોધન અને INS અગ્રયાને ભારતીય નૌકાદળના ઓપરેશનલ ફ્લીટમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજો અલગ-અલગ પ્રકારના મિશન માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તે ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તથા ઓપરેશનલ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.
આ પ્રસંગે નૌકાદળ પ્રમુખ એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને સમગ્ર ટીમ, ઉદ્યોગ ભાગીદારો અને MSME ક્ષેત્રના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે એકસાથે ત્રણ જહાજોનું કમિશનિંગ ભારતના યુદ્ધ જહાજ નિર્માણ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
INS સંશોધનઃ સમુદ્રતળના નકશા અને વૈજ્ઞાનિક માહિતી માટે મહત્વપૂર્ણ
INS સંશોધન એક અદ્યતન હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે. તેનું મુખ્ય કાર્ય સમુદ્રતળનું નકશાકરણ કરવું, સલામત નેવિગેશન રૂટ શોધવા અને સમુદ્ર સંબંધિત વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરવાનું છે.
આ જહાજ માનવતાવાદી સહાય અને કુદરતી આપત્તિના સમયમાં તરતી હોસ્પિટલ અથવા મેડિકલ સપોર્ટ પ્લેટફોર્મ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ ક્ષમતા તેને માત્ર લશ્કરી નહીં પરંતુ રાહત કામગીરી માટે પણ ઉપયોગી બનાવે છે.
INS અગ્રયાઃ દુશ્મન સબમરીન માટે મોટો પડકાર
INS અગ્રયા ખાસ કરીને એન્ટિ-સબમરીન વોરફેર માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ જહાજ દરિયાકાંઠાના અને છીછરા પાણીમાં કાર્યરત દુશ્મન સબમરીનને શોધી, ટ્રેક કરી અને જરૂર પડે ત્યારે નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમાં અદ્યતન સોનાર સિસ્ટમ, ટોર્પિડો, એન્ટિ-સબમરીન રોકેટ અને 30 મિમી નૌકાદળ તોપ જેવી આધુનિક શસ્ત્ર પ્રણાલીઓ લગાવવામાં આવી છે. ઉપરાંત, તે દરિયામાં માઇન બિછાવવાની ક્ષમતા પણ ધરાવે છે, જે ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
INS દુનાગિરીઃ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ સ્ટીલ્થ ફ્રિગેટ
INS દુનાગિરી પ્રોજેક્ટ 17A હેઠળ વિકસાવવામાં આવેલ અત્યાધુનિક નીલગિરી વર્ગનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઈલ ફ્રિગેટ છે. તે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ, બરાક-8 એર ડિફેન્સ સિસ્ટમ, ટોર્પિડો અને અન્ય આધુનિક હથિયારોથી સજ્જ છે.
આ જહાજ બહુવિધ મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે અને હવાઈ હુમલાથી રક્ષણ, સપાટી યુદ્ધ તેમજ સબમરીન વિરોધી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું
આ ત્રણેય જહાજોનું નિર્માણ કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે નિર્માણ પામેલા આ પ્લેટફોર્મ્સ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.
નૌકાદળ પ્રમુખે જણાવ્યું હતું કે ગયા વર્ષે મુંબઈમાં થયેલા પ્રથમ ટ્રાઇ-કમિશનિંગ બાદ કોલકાતામાં યોજાયેલું બીજું ટ્રાઇ-કમિશનિંગ ભારતની આધુનિકતા અને યુદ્ધ જહાજ નિર્માણ ક્ષમતામાં વિશ્વાસ વધારનારું છે.
શા માટે મહત્વપૂર્ણ છે આ કમિશનિંગ?
હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધતી વ્યૂહાત્મક સ્પર્ધા અને સમુદ્રી સુરક્ષાના પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ સતત આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે. INS અગ્રયા, INS સંશોધન અને INS દુનાગિરી જેવા અદ્યતન પ્લેટફોર્મ્સ ભારતની દરિયાઈ સુરક્ષા, સર્વેલન્સ અને સંરક્ષણ ક્ષમતાને નવી ધાર આપશે.





