India Social Media Ban?: ડિજિટલ યુગમાં બાળકોના વધતા સોશિયલ મીડિયા ઉપયોગને લઈને વિશ્વભરમાં ચર્ચા તેજ બની રહી છે. ઓનલાઈન છેતરપિંડી, સાયબર બુલિંગ, માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસર અને અયોગ્ય કન્ટેન્ટ સુધી સરળ પહોંચ જેવા મુદ્દાઓને કારણે અનેક દેશો બાળકો માટે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં અમલમાં આવેલા સોશિયલ મીડિયા કાયદાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે બાળકોને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયાએ જે પગલું ભર્યું છે, તેમાંથી ભારત સહિત અનેક દેશો શીખી રહ્યા છે. જોકે, તેમણે ભારતમાં આવો કાયદો લાવવામાં આવશે તેવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
PM મોદીએ શું કહ્યું?
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા માહિતી પ્રૌદ્યોગિકી (IT) અને સોશિયલ મીડિયા સંબંધિત કાયદાઓમાં જે સુધારા કરી રહ્યું છે, તે સમાજની સુરક્ષા માટે પ્રેરણાદાયક છે. તેમણે ખાસ કરીને બાળકોને ડિજિટલ જોખમોથી સુરક્ષિત રાખવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રયાસોની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારત પણ આવા પ્રયાસોમાંથી મહત્વપૂર્ણ શીખ મેળવી રહ્યું છે.
શું છે ઓસ્ટ્રેલિયાનો સોશિયલ મીડિયા કાયદો?
ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, જ્યાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર કડક નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ કાયદો ડિસેમ્બર 2025થી અમલમાં આવ્યો હતો. આ નિયમો હેઠળ TikTok, Instagram, Facebook, YouTube, X (પૂર્વે Twitter) અને Snapchat જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નવા એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. સાથે જ સોશિયલ મીડિયા કંપનીઓને વપરાશકર્તાની ઉંમર ચકાસવા માટે અસરકારક વ્યવસ્થા અમલમાં મૂકવાની ફરજ પાડવામાં આવી છે.
આ પણ વાંચો: 3 વર્ષ બાદ X પર માર્ક ઝુકરબર્ગની વાપસી : એક પોસ્ટે જ મચાવી ધૂમ, નવી AI સિસ્ટમ પર મસ્કનું નિવેદન વાયરલ
અન્ય દેશો પણ લઈ રહ્યા છે આવા પગલાં
ઓસ્ટ્રેલિયાના નિર્ણય બાદ અનેક દેશોમાં બાળકો માટે સોશિયલ મીડિયા વપરાશને લઈને ચર્ચા વધુ તેજ બની છે. બ્રિટને પણ બાળકો માટે સોશિયલ મીડિયા અને કેટલાક ઓનલાઈન ગેમિંગ તથા લાઇવ-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવાની જાહેરાત કરી છે. જ્યારે કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાએ પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે વિવિધ પ્રકારના નિયમો અમલમાં મૂક્યા છે. ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ આવા કાયદાઓ અંગે વિચારણા કરી રહ્યા છે.
શું ભારતમાં પણ આવી શકે છે આવો કાયદો?
PM મોદીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે ભારત પણ ઓસ્ટ્રેલિયાની જેમ બાળકો માટે સોશિયલ મીડિયા પર નિયંત્રણ લાવી શકે છે. જોકે, અત્યાર સુધી કેન્દ્ર સરકાર તરફથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાવવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સરકારે અગાઉથી જ બાળકોની ડિજિટલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના પગલાં લીધા છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા પ્રોસેસ કરવા માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: સ્માર્ટફોન, ટીવી અને લેપટોપના ભાવમાં આવી શકે છે ઘટાડો : સરકારના આ મોટા નિર્ણયથી મળશે રાહત
ભારતનો ફોકસ પ્રતિબંધ કરતાં સુરક્ષા પર વધુ
ડિજિટલ નીતિ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં બાળકોના શિક્ષણ, ઓનલાઈન અભ્યાસ અને ડિજિટલ વિકાસ માટે ઇન્ટરનેટ મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તેથી સંપૂર્ણ પ્રતિબંધ કરતાં સુરક્ષિત ઉપયોગ, પેરેન્ટલ કંટ્રોલ, ઉંમર ચકાસણી અને ડિજિટલ જાગૃતિ જેવા વિકલ્પો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ગોવા જેવા કેટલાક રાજ્યોએ પણ બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ અંગે કડક નિયમો લાવવાની વાત કરી છે. જોકે, દેશવ્યાપી પ્રતિબંધ અંગે હાલ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. PM મોદીના નિવેદનથી એટલું સ્પષ્ટ થાય છે કે ભારત બાળકોની ઓનલાઈન સુરક્ષાને ગંભીરતાથી લઈ રહ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ અંગેનો અંતિમ નિર્ણય સરકારના ભાવિ નીતિગત અભિગમ પર નિર્ભર રહેશે.





