Phone Screen Setting : આજના સમયમાં સ્માર્ટફોન આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ઓફિસનું કામ, ઓનલાઈન અભ્યાસ, બેંકિંગ, મનોરંજન અને સોશિયલ મીડિયા સહિતના મોટાભાગના કામ હવે મોબાઇલ પર જ થાય છે. ઘણા લોકો દિવસના 6થી 10 કલાક સુધી સતત સ્ક્રીન સામે રહે છે. લાંબા સમય સુધી ફોનની સ્ક્રીન જોવાના કારણે આંખોમાં થાક, બળતરા, પાણી આવવું, સૂકાપો, માથાનો દુખાવો અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે. આંખોના નિષ્ણાતો પણ સલાહ આપે છે કે માત્ર સ્ક્રીન ટાઈમ ઘટાડવો જ નહીં, પરંતુ ફોનની કેટલીક ડિસ્પ્લે સેટિંગ્સમાં ફેરફાર કરીને પણ આંખો પર પડતા દબાણને ઘટાડવામાં મદદ મળી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે ફોનનો ઉપયોગ કરતી વખતે યોગ્ય સેટિંગ્સ અપનાવવી વધુ મહત્વપૂર્ણ બને છે.
ઓટો-બ્રાઇટનેસ ચાલુ રાખો
દિવસ દરમિયાન બહારના તેજ પ્રકાશમાં ફોન વાપરતી વખતે વધુ બ્રાઇટનેસ જરૂરી હોય છે, પરંતુ ઘરની અંદર અથવા ઓછી લાઇટમાં એ જ બ્રાઇટનેસ આંખો માટે અસુવિધાજનક બની શકે છે. સતત વધુ બ્રાઇટનેસ પર સ્ક્રીન જોવાથી આંખો પર વધારાનો ભાર પડે છે. મોટાભાગના આધુનિક એન્ડ્રોઇડ અને આઈફોનમાં ઓટો-બ્રાઇટનેસ (Adaptive Brightness)નું ફીચર ઉપલબ્ધ હોય છે. આ ફીચર આસપાસના પ્રકાશ મુજબ સ્ક્રીનની બ્રાઇટનેસ આપમેળે એડજસ્ટ કરે છે. પરિણામે સ્ક્રીન વધુ આરામદાયક લાગે છે અને આંખો પર અનાવશ્યક તાણ ઓછું પડે છે.
આ પણ ખાસ વાંચો : જંગલ, પહાડ અને દરિયામાં પણ નહીં તૂટે સંપર્ક! : BSNLએ લોન્ચ કર્યો ખાસ સેટેલાઇટ ફોન, જાણો કિંમત અને નિયમો
રાત્રે બ્લૂ લાઇટ ફિલ્ટર અથવા નાઇટ મોડનો ઉપયોગ કરો
સ્માર્ટફોનની સ્ક્રીનમાંથી નીકળતો બ્લૂ લાઇટ સ્પેક્ટ્રમ શરીરની જૈવિક ઘડિયાળને અસર કરી શકે છે. ખાસ કરીને સૂતા પહેલા લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવામાં આવે તો મેલાટોનિન હોર્મોનના સ્ત્રાવમાં વિલંબ થઈ શકે છે, જેના કારણે ઊંઘ આવવામાં મુશ્કેલી થઈ શકે છે. આ કારણસર મોટાભાગના સ્માર્ટફોનમાં 'બ્લૂ લાઇટ ફિલ્ટર', 'નાઇટ લાઇટ', 'નાઇટ શિફ્ટ' અથવા 'આઈ કમ્ફર્ટ મોડ' જેવા વિકલ્પો આપવામાં આવે છે. સાંજ બાદ અથવા સૂતા પહેલા આ ફીચર ચાલુ રાખવાથી સ્ક્રીનનો પ્રકાશ ગરમ રંગ તરફ વળે છે, જે આંખો માટે વધુ આરામદાયક બની શકે છે અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.
ડાર્ક મોડ ગ્લેર ઘટાડવામાં મદદરૂપ
જો તમે ઓછી લાઇટવાળા રૂમમાં ફોનનો ઉપયોગ કરો છો, તો ડાર્ક મોડ ઉપયોગી વિકલ્પ બની શકે છે. આ મોડમાં સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ ગાઢ રંગનું અને લખાણ હળવા રંગમાં દેખાય છે, જેના કારણે સ્ક્રીનની ચમક અને ગ્લેર ઓછો અનુભવાય છે. જો કે, તેજ પ્રકાશવાળા વાતાવરણમાં દરેક વ્યક્તિ માટે ડાર્ક મોડ વધુ આરામદાયક હોય એવું જરૂરી નથી. તેથી તેનો ઉપયોગ પરિસ્થિતિ અને વ્યક્તિગત પસંદગી મુજબ કરવો યોગ્ય રહે છે. OLED ડિસ્પ્લેવાળા ઘણા સ્માર્ટફોનમાં ડાર્ક મોડ બેટરીનો વપરાશ પણ થોડો ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ ખાસ વાંચો : વોટરપ્રૂફ ફોન છે તો પણ આ ભૂલ ન કરો! : ચોમાસામાં તમારી નાની બેદરકારી પણ સ્માર્ટફોનને પહોંચાડી શકે છે મોટું નુકસાન
સ્ક્રીનથી યોગ્ય અંતર જાળવો
ફોનને આંખોની ખૂબ નજીક રાખીને જોવાની આદત આંખો પર વધારાનો તાણ લાવી શકે છે. ખાસ કરીને બાળકોમાં લાંબા સમય સુધી નજીકથી સ્ક્રીન જોવાની આદતને કારણે નજીકની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. નિષ્ણાતો સામાન્ય રીતે ફોનને આંખોથી આશરે 30થી 40 સેન્ટીમીટર (લગભગ 12થી 16 ઇંચ) દૂર રાખવાની સલાહ આપે છે. આઈફોનમાં ઉપલબ્ધ 'Screen Distance' ફીચર જો ફોન લાંબા સમય સુધી આંખોની ખૂબ નજીક રાખવામાં આવે તો વપરાશકર્તાને ચેતવણી આપે છે. આ સુવિધા ખાસ કરીને બાળકોમાં યોગ્ય અંતર જાળવવાની આદત વિકસાવવામાં મદદરૂપ બની શકે છે.
માત્ર સેટિંગ્સ જ નહીં, આ આદતો પણ અપનાવો
આંખોને સ્વસ્થ રાખવા માટે માત્ર ફોનની સેટિંગ્સ બદલવી પૂરતી નથી. દર 20 મિનિટે લગભગ 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર આવેલી કોઈ વસ્તુ તરફ જોવાનો '20-20-20 નિયમ' પણ લાભદાયી માનવામાં આવે છે. ઉપરાંત વારંવાર પલક ઝપકાવવી, પૂરતી ઊંઘ લેવી અને લાંબા સમય સુધી સતત સ્ક્રીન સામે ન બેસવું પણ આંખોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.





