Home Gujarat Patan Lcb Arrests Bajaniya Gang Member 16 Theft Cases Solved

પાટણ સહિત રાજ્યભરમાં ઘરફોડ ચોરી મચાવતી બજાણીયા ગેંગનો ભાંડો ફૂટ્યો : એક શાતિર ઝડપાયો, જાણો કેટલા ગુનાનો ઉકેલાયો છે ભેદ

Patan LCB, Bajaniya Gang, Mehul Bajaniya
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 05:17 PM IST

પાટણ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરી, દુકાનોના તાળા તોડી રોકડ રકમની ચોરી તેમજ બાઈક ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતી બજાણીયા ગેંગના એક સક્રિય સભ્યને પાટણ એલસીબી પોલીસે ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન માત્ર પાટણ જિલ્લાની જ નહીં પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી 16થી વધુ ચોરીઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી રૂ.45 હજારની રોકડ રકમ અને રૂ.50 હજારની કિંમતનું બાઈક મળી કુલ રૂ.95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ ગેંગના અન્ય ચાર ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

બાતમીના આધારે પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યો આરોપી

પાટણ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે પાટણ જિલ્લાના કુંવારદ ગામ અને મુજપુરમાં થયેલી ચોરી તેમજ શંખેશ્વરમાં થયેલી બાઈક ચોરીમાં સંડોવાયેલો મેહુલ લક્ષ્મણભાઈ બજાણીયા, રહે. પાણપુર પાટીયા, હિંમતનગર, પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પુલ નીચે હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની અનેક ઘટનાઓમાં પોતાની સંડોવણી કબૂલી હતી. વધુ પૂછપરછમાં તેણે પોતાના અન્ય ચાર સાગરીતોના નામ પણ જાહેર કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં અનીલ ઉર્ફે અર્જુનભાઈ બજાણીયા (હિંમતનગર), જીતુભાઈ ઉર્ફે જીતેશ બાબુભાઈ બજાણીયા (તલોદ), શંકરભાઈ લક્ષ્મણભાઈ બજાણીયા (હિંમતનગર) અને દેવીપૂજક કરણભાઈ સરતાનભાઈ (મહેસાણા) પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપ્યાની કબૂલાત

પોલીસ તપાસમાં આરોપીએ પાટણ જિલ્લાના કુંવારદ ગામમાં અલ્પેશભાઈ રાજુભાઈ પ્રજાપતિની દુકાનમાંથી અંદાજે રૂ.29,500ની રોકડ ચોરી તેમજ મુજપુર ગામની દુકાનમાં થયેલી ચોરી અને શંખેશ્વરમાં થયેલી બાઈક ચોરીમાં સંડોવણી સ્વીકારી હતી.

આ ઉપરાંત આરોપીએ અને તેના સાગરીતોએ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ અનેક ગુનાઓ આચર્યાની કબૂલાત કરી છે. જેમાં માણસામાં બાઈક ચોરી કર્યા બાદ માર્કેટયાર્ડની દુકાનોના તાળા તોડી રોકડ રકમની ચોરી, સાણંદમાં બાઈક ચોરી કરીને કાપડની દુકાનમાં ચોરી, વિરમગામ માર્કેટયાર્ડમાં દુકાન તેમજ એક રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી, વડોદરાના હાથીખાના માર્કેટ વિસ્તારમાં બાઈક ચોરી કર્યા બાદ એક જ રાત્રે 10 દુકાનોના તાળા તોડી રોકડ રકમની ચોરી તેમજ આણંદમાં બાઈક ચોરી અને માર્કેટયાર્ડની દુકાનોમાં ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીની કબૂલાતના આધારે અત્યાર સુધીમાં 16થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જોકે તપાસ આગળ વધતા ચોરીના વધુ બનાવો પણ ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા

ઝડપાયેલ મેહુલ લક્ષ્મણભાઈ બજાણીયા સામે અગાઉ પણ રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગાંધીનગર સેક્ટર-7, હિંમતનગર ગ્રામ્ય, વિસનગર તાલુકા, હારીજ, પેથાપુર, ચિલોડા અને ડભોડા પોલીસ સ્ટેશનોમાં તેની સામે ચોરી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે. જેના કારણે પોલીસ તેને રીઢા ગુનેગાર તરીકે ગણાવી રહી છે.

પોલીસે આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાટણ બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે. સાથે જ ગેંગના અન્ય ચાર ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે બાકીના આરોપીઓ ઝડપાશે તો રાજ્યભરમાં થયેલી અન્ય ચોરીઓના ગુનાઓનો પણ પર્દાફાશ થઈ શકે છે.

રાજ્યમાં સક્રિય ચોરી ગેંગ સામે પોલીસની કાર્યવાહી મહત્વપૂર્ણ

તાજેતરના સમયમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દુકાનો અને રહેણાંક મકાનોમાં તાળા તોડી ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં પાટણ એલસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક જ આરોપીની ધરપકડથી અનેક જિલ્લાઓમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાતા પોલીસને અન્ય ગુનાઓની તપાસમાં પણ મહત્વની કડીઓ મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now