Surat News: સુરત એરપોર્ટ પર મંગળવારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના રહેવાસી દેવર્ષ શાહ, તેમની પત્ની, બે બાળકો અને મિત્રો સાથે જયપુર જવાના હતા, પરંતુ વારંવાર ફ્લાઇટ કેન્સલ થવાથી તેઓ આખો દિવસ એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા.
દેવર્ષ શાહની સાંજની 3:30 કલાકે સુરતથી જયપુર માટેની ફ્લાઇટ કેન્સલ થઈ હતી. બાદમાં એરલાઈન દ્વારા રાતે 9:30ની બીજી ફ્લાઇટ આપવામાં આવી, પણ થોડા સમય પછી તે ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી. બે ફ્લાઇટ રદ થયા બાદ મુસાફરોને સવારે 5:30ની ફ્લાઇટ આપવામાં આવી હતી. પરંતુ રાત્રે 11:30 વાગ્યે મેનેજરે જાણ કરી કે આ ફ્લાઇટ પણ રદ થઈ ગઈ છે. આથી મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, અટવાયેલા મુસાફરોમાં એક ગર્ભવતી મહિલા પણ હતી, જેને લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.
બીજી તરફ, નઇમ નામનો યુવાન, જે રેલવે ભરતીની પરીક્ષા આપવા દિલ્હી જઈ રહ્યો હતો, તે પણ ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર અટવાઈ ગયો. નઇમ સવારે 8:30 વાગ્યાની પરીક્ષા આપવા જવાનો હતો. તે ગોવાથી સુરત આવ્યો હતો અને અહીંથી દિલ્હી જવાનો હતો. પરંતુ ફ્લાઇટ કેન્સલ થતા તેની પરીક્ષાની આખી તૈયારી પર પાણી ફરી વળ્યું. નઇમએ જણાવ્યું કે, “કોઈ સીધો જવાબ આપતો નથી. તમામ મહેનત બરબાદ થઈ ગઈ.”
મુસાફરો દ્વારા વારંવાર કારણ પૂછ્યા છતાં એરપોર્ટ સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ફ્લાઇટ વિલંબના કારણ વિશે પૂછતા કેટલાક મુસાફરોને અયોગ્ય અને અસ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા હતા. વળતર બાબતે મેનેજર સાથે વાત કરવા જતા તેમને કહેવામાં આવ્યું કે, “મેલ કરી દો, પછી તમારો કેસ જોઈને નક્કી થશે.”






