Paper Leak Bill 2026: દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા પેપર લીક મુદ્દે હવે સંસદમાં નિર્ણાયક તબક્કો આવી પહોંચ્યો છે. લોકસભામાં આજે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમો નિવારણ) સુધારા બિલ, 2026 પર અંદાજે આઠ કલાક સુધી વિસ્તૃત ચર્ચા થવાની છે. સરકાર અને વિપક્ષ વચ્ચે ઘણા દિવસોથી ચાલતા ગતિરોધ બાદ આખરે આ મુદ્દે સર્વસંમતિ બનતા હવે સંસદમાં પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા, પેપર લીક રોકવા માટેના કડક કાયદા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નો પર ગંભીર ચર્ચા થશે. NEET-UG 2026 પેપર લીક વિવાદ બાદ દેશભરમાં પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા હતા. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓએ કડક કાયદાની માંગણી કરી હતી. તે જ પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકારે હાલના કાયદાને વધુ સશક્ત બનાવવા માટે આ સુધારા બિલ રજૂ કર્યું છે. સરકારનો દાવો છે કે આ કાયદાથી પેપર લીક માફિયા, સંગઠિત ગેરરીતિઓ અને પરીક્ષા છેતરપિંડી પર અસરકારક અંકુશ લગાવી શકાશે.
સરકાર-વિપક્ષ વચ્ચે સહમતી બાદ ચર્ચાનો માર્ગ મોકળો
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે સતત હોબાળો અને ગતિરોધ સર્જાયો હતો. જોકે, સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ શાસક પક્ષ અને વિપક્ષના ફ્લોર લીડરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પેપર લીક બિલ પર વિગતવાર ચર્ચા કરવા માટે બંને પક્ષો વચ્ચે સહમતી સધાઈ હતી. સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર, આ બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું કે મંગળવારે લોકસભામાં આ બિલ પર અંદાજે આઠ કલાક સુધી ચર્ચા કરવામાં આવશે. સંસદના આ સત્રની સૌથી મહત્વપૂર્ણ ચર્ચાઓમાં આ બિલનો સમાવેશ થાય તેવી શક્યતા છે.
રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી કરશે નેતૃત્વ
કોંગ્રેસે પણ આ ચર્ચાને ગંભીરતાથી લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ બિલ પર કોંગ્રેસનું પક્ષ રજૂ કરશે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચર્ચા પહેલાં વિપક્ષી ગઠબંધન 'INDIA'ના ફ્લોર લીડરોની બેઠક યોજાશે, જેમાં સરકાર સામેની રણનીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સોમવારે હોબાળાને કારણે અટકી ગઈ હતી કાર્યવાહી
સરકાર સોમવારે જ આ બિલ પર ચર્ચા શરૂ કરવા માંગતી હતી, પરંતુ વિપક્ષના સતત વિરોધ અને સૂત્રોચ્ચારને કારણે લોકસભાની કાર્યવાહી સામાન્ય રીતે ચાલી શકી નહોતી. હોબાળો વધતા સ્પીકરે ગૃહને આખા દિવસ માટે સ્થગિત કરી દીધું હતું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે થયેલી ચર્ચા બાદ સહમતી બનતા હવે આજે બિલ પર વિસ્તૃત ચર્ચા માટેનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થયો છે.
શું છે એન્ટી પેપર લીક સુધારા બિલ?
NEET-UG 2026 પેપર લીક કેસ બાદ દેશભરમાં પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓના આરોપોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમો નિવારણ) કાયદાને વધુ કડક બનાવવા માટે સુધારા બિલ રજૂ કર્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ સુધારા બિલ લોકસભામાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષા માફિયા, પેપર લીક ગેંગ અને સંગઠિત છેતરપિંડીના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાનો છે.
આ પણ વાંચો: સરકારી ઓફિસોમાં હવે કઈ ચા મળશે? : જાણો 'યુલ ટી' પાછળનો સરકારનો પ્લાન
બિલમાં શું છે નવી કડક જોગવાઈઓ?
પ્રસ્તાવિત સુધારા મુજબ, જો કોઈ વ્યક્તિ જાહેર પરીક્ષામાં પેપર લીક અથવા અન્ય ગેરરીતિમાં સંડોવાયેલી જણાશે તો તેને ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજા થઈ શકે છે. સાથે જ આવા ગુનાઓ માટે રૂ.50 લાખ સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ સંગઠિત ગેંગ, પરીક્ષા માફિયા અથવા નેટવર્ક આવા ગુનામાં સંડોવાયેલું હોવાનું સામે આવશે તો તેના માટે વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આવા કેસોમાં ઓછામાં ઓછી સાત વર્ષની જેલ અને રૂ.10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે કેસોની સુનાવણી
આ સુધારા બિલની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈઓમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ સામેલ છે. પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની રચના કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે, કેસોનો ઝડપી નિકાલ થશે તો ગુનેગારોને સમયસર સજા મળશે અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે.
વિદ્યાર્થીઓ માટે કેમ મહત્વપૂર્ણ છે આ બિલ?
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ સરકારી ભરતી પરીક્ષાઓ અને વિવિધ પ્રવેશ પરીક્ષાઓ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના બનાવો સામે આવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી હતી. આ સ્થિતિમાં સરકારનો દાવો છે કે, નવો કાયદો જાહેર પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે. હવે લોકસભામાં થનારી ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ બંને તરફથી અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ચર્ચા બાદ બિલમાં સુધારા સાથે તેને પસાર કરવામાં આવે છે કે નહીં તેના પર દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર ટકેલી છે.





