Home International Pakistan Parliament Passes Historic Minority Rights Bill 2025 After Decade Delay

પાકિસ્તાનમાં બિન મુસ્લિમો માટે ઐતિહાસિક દિવસ : દસ વર્ષથી ધૂળ ખાતું માઈનોરિટી બિલ આખરે પાર્લામેન્ટમાં પાસ થયું

પાકિસ્તાનમાં બિન મુસ્લિમો માટે ઐતિહાસિક દિવસ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 06:29 PM IST

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જે ત્યાં વસતા લઘુમતી સમુદાયો માટે આશાનું કિરણ સમાન છે. પાકિસ્તાન સરકાર દ્વારા બિન મુસ્લિમોના હિતો અને અધિકારોની સુરક્ષા માટે એક વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે. કાયદા મંત્રી આઝમ નઝીર તરાર દ્વારા નેશનલ માઈનોરિટી રાઈટ્સ કમિશન બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. નેશનલ એસેમ્બલી અને સેનેટના સંયુક્ત સેશનમાં લાંબી ચર્ચા વિચારણા બાદ આ ખરડાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતીઓ માટે એક ડેડિકેટેડ કમિશનની રચના કરવાનો છે.

આ બિલનું મહત્વ સમજાવતા કાયદા મંત્રી તરારએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ છેલ્લા 10 વર્ષથી પેન્ડિંગ હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે માનવ અધિકારો અને લઘુમતીઓના રક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ રમાવું જોઈએ નહીં. આ બિલનું પાસ થવું એ પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોને કાયદાકીય પીઠબળ આપવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ નવા કાયદા હેઠળ રચાનારા કમિશનનું માળખું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત કમિશનમાં કુલ 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે જે દેશના અલગ અલગ ખૂણેથી પ્રતિનિધિત્વ કરશે.

નવા નિયમો મુજબ પાકિસ્તાનના ચારેય પ્રાંતોમાંથી બબ્બે લઘુમતી સભ્યોની નિમણૂક કરવામાં આવશે જેથી દરેક વિસ્તારના લોકોને ન્યાય મળી શકે. આ ઉપરાંત ઈસ્લામાબાદનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સભ્યને ચીફ કમિશનર દ્વારા નોમિનેટ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન અને નેશનલ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન તથા ચાઈલ્ડ રાઈટ્સ કમિશન જેવી સંસ્થાઓમાંથી પણ ત્રણ સભ્યો લેવામાં આવશે. આ સભ્યોની પસંદગી તે સંસ્થાના વડાઓ કરશે. સરકારી તંત્રનો સહયોગ જળવાઈ રહે તે માટે કાયદા મંત્રાલય અને ધાર્મિક બાબતોના મંત્રાલય તેમજ ગૃહ અને માનવ અધિકાર મંત્રાલયના ગ્રેડ 21 કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ આ કમિશનનો ભાગ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now