આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવાના બહાને અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાની સેનાની કાર્યવાહીનો બદલો લેવા માટે તાલિબાન સરકારે વળતા હુમલા તેજ કર્યા છે. છેલ્લા 48 કલાકથી સરહદ પર ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોના મોતનો બદલો લેવા માટે અફઘાન સૈન્યએ પાકિસ્તાની લશ્કરી મથકો અને છાવણીઓ પર બોમ્બમારો શરૂ કર્યો છે. આ સંઘર્ષમાં અફઘાન સેના મલ્ટી બેરલ રોકેટ લોન્ચર જેવા ભારે હથિયારોનો ઉપયોગ કરી રહી છે.
પાકિસ્તાની સરહદમાં તાલિબાનનો પ્રવેશ: 15 ચોકીઓ કબજે
પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનની સેનાએ રાત્રે 9:30 વાગ્યાથી નંગરહાર-ખૈબર અને કુનાર-બાજોર સરહદ પર ટેન્ક, આર્ટિલરી અને મોર્ટાર વડે ભીષણ હુમલો કર્યો છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ દાવો કર્યો છે કે અફઘાન સૈન્યએ પાકિસ્તાનની 15 ચોકીઓ પર કબજો જમાવી લીધો છે. વધુમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કુનાર સરહદ પર પાકિસ્તાનના 40 સૈનિકો માર્યા ગયા છે, જેમાંથી 13 ના મૃતદેહો અફઘાન સૈનિકો પોતાની સાથે લઈ ગયા છે. હાલમાં નંગરહાર અને ગોશ્તા સરહદની અનેક ચોકીઓ પર તાલિબાનના સૈનિકો તૈનાત છે. અફઘાન સેના આ લડાઈમાં 'ઓપરેશન 201 ખાલિદ બિન વાલિદ બ્રિગેડ' અને '205 અલ બદ્ર બ્રિગેડ' હેઠળ કાર્યવાહી કરી રહી છે.
શા માટે શરૂ થયો આ વિવાદ?
પાકિસ્તાન વાયુસેનાના ફાઈટર જેટ્સે 22 February ના રોજ અફઘાનિસ્તાનના નંગરહાર અને પતિકા પ્રાંતના વિવિધ વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં એક જ પરિવારના 16 નાગરિકો સહિત અનેક મહિલાઓ અને બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પર તાલિબાને સખત વાંધો ઉઠાવતા યોગ્ય સમયે આકરી પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપી હતી, જે હવે સરહદ પર લોહિયાળ જંગમાં ફેરવાઈ છે.
ભારતે પાકિસ્તાનની કાર્યવાહીની કરી ટીકા
અફઘાનિસ્તાનની ધરતી પર પાકિસ્તાની હવાઈ હુમલાની ભારતે કડક શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, રમઝાનના પવિત્ર મહિના દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે તે અત્યંત ખેદજનક છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે પોતાનું સમર્થન પુનરોચ્ચાર્યું છે અને પાકિસ્તાનને પોતાની આંતરિક નિષ્ફળતાઓનો દોષ અન્ય પર ન ઢોળવા સલાહ આપી છે.




















