Home International Operation Roaring Lion Air Strike Several Senior Revolutionary Guards Irgc Officials Including Irans Deputy Intelligence Minister Lost Live

Israel-Iran War : ઇઝરાયલના હવાઈ હુમલામાં વધુ એક ઈરાની મંત્રીનું મોત, અનેક ગુપ્તચર અધિકારીઓ પણ માર્યા ગયા

Israel-Iran War
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 12:16 PM IST

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના ત્રીજા દિવસે પણ બંને પક્ષો તરફથી મિસાઈલ, રોકેટ અને ડ્રોન હુમલાઓ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન રોરિંગ લાયન' (Operation Roaring Lion) હેઠળ ઈરાનના ગુપ્તચર મંત્રાલયના મુખ્યાલયને નિશાન બનાવીને અત્યંત ચોકસાઈપૂર્વક એર સ્ટ્રાઈક કરવામાં આવી છે.

આ હુમલામાં ઈરાનના ગુપ્તચર વિભાગના ડેપ્યુટી મંત્રી સહિત રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના અનેક વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓપરેશન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વધુ તેજ બની છે. IDFના સત્તાવાર નિવેદન મુજબ, આ કાર્યવાહી તેહરાન સ્થિત ગુપ્તચર મંત્રાલયના મુખ્ય મથક પર કરવામાં આવી હતી. આ હુમલાએ ઈરાનના સુરક્ષા તંત્રમાં સોંપો પાડી દીધો છે, જોકે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

'ઓપરેશન રોરિંગ લાયન': ગુપ્તચર વિભાગના ઉપમંત્રી ઠાર

ઈઝરાયેલના દાવા મુજબ, આ ઓપરેશનમાં સૈયદ યાહ્યા હમીદીને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ ઈરાનના ગુપ્તચર મંત્રાલયમાં 'ઈઝરાયેલ બાબતો' ના ડેપ્યુટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. IDF એ આરોપ લગાવ્યો છે કે હમીદી વિદેશોમાં યહૂદીઓ અને પશ્ચિમી દેશોના હિતો વિરુદ્ધની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સાથે જાસૂસી વિભાગના વડા જલાલ પૂર હુસૈનને પણ એર સ્ટ્રાઈકમાં ઠાર કરાયા છે.

Image

તેહરાનમાં મંત્રાલયના મુખ્યાલય પર સીધો હુમલો

ઈઝરાયેલી વાયુસેના (IAF) એ માત્ર અધિકારીઓને જ નહીં, પરંતુ તેહરાનમાં આવેલા ઈરાનના ગુપ્તચર મંત્રાલયના હેડક્વાર્ટર પર પણ બોમ્બમારો કર્યો છે. આ હુમલો એટલો સચોટ હતો કે મંત્રાલયની અંદર હાજર અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને એજન્ટોના મોત થયા હોવાનું મનાય છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ કાર્યવાહી પ્રાદેશિક સુરક્ષા અને પોતાના નાગરિકોના રક્ષણ માટે કરવામાં આવી છે.

IRGC ના અધિકારીઓ પર પણ તવાઈ

ઈઝરાયેલના આ ઓપરેશનમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના અનેક ઉચ્ચ સ્તરીય અધિકારીઓ પણ માર્યા ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ હુમલાઓમાં ઈરાનના સૈન્ય માળખાને મોટું નુકસાન પહોંચાડવાનો ઈઝરાયેલનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ તેહરાનમાં હાહાકાર મચી ગયો છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભયાનક ખતરો

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો આ સીધો સંઘર્ષ હવે નિયંત્રણ બહાર જઈ રહ્યો હોય તેમ લાગે છે. બંને દેશો વચ્ચે મિસાઈલ યુદ્ધ શરુ થતા પડોશી દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે. જો ઈરાન આ હુમલાનો વળતો જવાબ આપે છે, તો તે વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now