Home Gujarat Operation Delta Hunt Gujarat Police Arrests 568 Illegal Bangladeshi Nationals

"રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે" : 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ

Operation Delta Hunt Illegal Immigrants
Published by: Nirali Gohil
Last Updated: Jun 05, 2026, 06:18 AM IST

Operation Delta Hunt: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે રાજ્ય પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાંથી એક હાથ ધરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ નામે ચાલી રહેલી આ ઝુંબેશ અંતર્ગત વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન દરમિયાન આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કુલ 568 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

ધરપકડ કરાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા 568 લોકોમાં 172 પુરુષો, 282 મહિલાઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. તમામ વ્યક્તિઓની ઓળખ, દસ્તાવેજો અને દેશમાં પ્રવેશ અંગેની માહિતીની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી દરમિયાન અનેક વિસ્તારોમાં પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને ગુપ્તચર એજન્સીઓની ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. રાજ્યના વિવિધ શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજ્યની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં: હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું કે રાજ્યની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા અથવા વસવાટ કરતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ગેરકાયદેસર ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવા ઓપરેશનો સતત ચાલુ રહેશે.

આ પણ વાંચો: "ગુજરાત પોલીસનો સંદેશો સ્પષ્ટ છે": 'ઓપરેશન ડેલ્ટા હન્ટ'થી ઘુસણખોરો પર તવાઈ, 500થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા

હજુ પણ ચાલુ છે સર્ચ ઓપરેશન

‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ માત્ર એક દિવસીય કાર્યવાહી નથી. હાલમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસની અલગ-અલગ ટીમો સક્રિય છે અને શંકાસ્પદ વિસ્તારોમાં તપાસ ચાલુ છે. લપોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, મજૂર વસાહતો, ઔદ્યોગિક ઝોન અને અન્ય સંવેદનશીલ સ્થળોએ દસ્તાવેજ ચકાસણી અને ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ વધુ લોકોની ઓળખ અને પૂછપરછ પણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ કાર્યવાહી

સુરક્ષા નિષ્ણાતોના મતે, ગેરકાયદેસર ઘૂસણખોરી માત્ર કાયદાકીય મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. ઓળખ વગર અથવા ખોટા દસ્તાવેજોના આધારે દેશમાં રહેતા લોકોની હાજરી સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. આ કારણસર છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર વિદેશી નાગરિકોની ઓળખ અને કાર્યવાહી માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં શરૂ કરાયેલું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

કાયદાકીય કાર્યવાહી શરૂ

ધરપકડ કરાયેલા તમામ લોકો સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમની નાગરિકતા, દેશમાં પ્રવેશની સ્થિતિ અને દસ્તાવેજોની સત્યતા અંગેની તપાસ પૂર્ણ થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સુરક્ષા એજન્સીઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત નજર રાખી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારનું માનવું છે કે, આવા અભિયાનો દ્વારા કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની સાથે રાજ્યની આંતરિક સુરક્ષાને પણ વધુ અસરકારક રીતે સુનિશ્ચિત કરી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now