Home Gujarat Amod House Demolition Case Main Accused Arrested

આશિયાનાં તોડાયા, આંસુ વહ્યા... : હવે ગરીબ પરિવારોને ન્યાય અપાવવાની શરૂઆત, 2 આરોપી ઝડપાયા

ગરબીના ઘર તૂટ્યા તેની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 05, 2026, 07:06 AM IST

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માંડવા ફળિયામાં ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. વર્ષોથી વસવાટ કરતા પરિવારોના આશિયાનાં પળવારમાં ધરાશાયી થઈ જતાં અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા. હવે આ મામલે આમોદ પોલીસે કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી બશીરભાઈ અલી પટેલ અને JCB ડ્રાઇવરની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ માંડવા ફળિયામાં છેલ્લા 25થી 30 વર્ષથી અનેક ગરીબ પરિવારો રહેતા હતા. સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનેલા અંદાજિત 30 જેટલા મકાનોમાં પરિવારો પોતાના રોજિંદા જીવન સાથે વસવાટ કરી રહ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલાં અચાનક JCB મશીન સાથે પહોંચેલા કેટલાક લોકો દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા.

ઘટનાના કારણે અનેક પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો સહિતના રહેવાસીઓ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે કેટલાક પરિવારો તાત્કાલિક આશ્રયની શોધમાં ખેતરો અને વૃક્ષોની નીચે દિવસ પસાર કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: નોટિસો પૂરતી કે કાર્યવાહી પણ થશે? : પાલનપુરમાં મોતને આમંત્રણ આપતી ઈમારતો અને હોર્ડિંગ્સથી ખતરો

ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી

ઘટના બાદ અસરગ્રસ્ત પરિવારો દ્વારા પુરાવાઓ સાથે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતોના આધારે મુખ્ય આરોપી બશીરભાઈ અલી પટેલ તેમજ JCB ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે. આ દરમિયાન સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે મકાનો તોડી પાડવા પાછળનો નિર્ણય કોણે લીધો હતો અને શું સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિઓની પણ ભૂમિકા હતી કે નહીં. લોકો માંગ કરી રહ્યા છે કે જો તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: જામનગર-દ્વારકા માર્ગ પર એસટી બસના ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ

પુનર્વસન અને ન્યાયની માંગ

ઘરવિહોણા બનેલા પરિવારો માટે સૌથી મોટો પ્રશ્ન હાલ રહેવા માટેના આશ્રયનો છે. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે માત્ર આરોપીઓની ધરપકડ પૂરતી નથી, પરંતુ તેમને ફરીથી રહેવા માટેની વ્યવસ્થા અને યોગ્ય સહાય પણ મળવી જોઈએ.

સ્થાનિક સામાજિક આગેવાનો અને રહેવાસીઓએ તંત્રને અપીલ કરી છે કે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે. સાથે જ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

તપાસ પર સૌની નજર

આ ઘટનાએ ગરીબ અને વંચિત વર્ગના રહેણાંક સુરક્ષા સંબંધિત અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ તપાસ અને આગામી કાનૂની કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે. અસરગ્રસ્ત પરિવારોને ન્યાય ક્યારે મળશે અને તેમના પુનર્વસન માટે શું પગલાં લેવાશે તે હવે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now