સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ ઘટના વાઈરલ થતા મિનિટો પણ નથી લાગતી. હાલમાં મિસ થાઈલેન્ડ બ્યુટી પેજન્ટનો એક એવો જ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જે જોઈને એકતરફ તમને હસવું આવશે તો બીજી તરફ મોડલના આત્મવિશ્વાસ પર ગર્વ થશે. બ્યુટી ક્વીન બનવાનું સપનું લઈને સ્ટેજ પર આવેલી કમોલવાન ચનાગો (Kamolwan Chanago) નામની કન્ટેસ્ટન્ટ સાથે લાઈવ શૉ દરમિયાન એક મોટી 'Oops Moment' બની હતી. માઈક પર વાત કરતી વખતે અચાનક તેના નકલી દાંત (Dentures) નીચે પડી ગયા હતા, પરંતુ આ ક્ષણે ગભરાવાને બદલે મોડલે જે બહાદુરી બતાવી તેણે દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા છે.
લાઈવ પ્રેઝન્ટેશનમાં સર્જાઈ અસહજ સ્થિતિ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કમોલવાન ચનાગો ગોલ્ડન શિયર ડ્રેસ અને આકર્ષક ફર ગાઉનમાં સ્ટેજ પર પોતાનું વક્તવ્ય આપી રહી હતી. આ સુંદરતાની સ્પર્ધામાં પરફેક્ટ દેખાવા માટે તેણે નકલી દાંતનો સહારો લીધો હતો. જોકે, બોલતી વખતે અચાનક આ દાંત મોઢામાંથી બહાર નીકળી ગયા હતા. સ્ટેજ પર હાજર ઓડિયન્સ અને કેમેરા સામે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી કોઈપણ વ્યક્તિ ક્ષોભ અનુભવે તે સ્વાભાવિક છે, પરંતુ કમોલવાને એક સેકન્ડ માટે પણ પોતાની સ્મિત ખોઈ નહીં.
ગભરાટને બદલે આત્મવિશ્વાસથી જીત્યું મેદાન
પોતાની ભૂલ કે ખામીને છુપાવવાને બદલે મોડલે ખૂબ જ ચપળતાથી પોતાનો ચહેરો ફેરવ્યો, દાંતને ફરીથી સેટ કર્યા અને તરત જ આત્મવિશ્વાસ સાથે રેમ્પ વૉક કરવાનું શરૂ કરી દીધું. તેની આ અદા જોઈને હોલમાં બેઠેલા લોકોએ તેને તાળીઓથી વધાવી લીધી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે સુંદરતા માત્ર દેખાવમાં નથી, પણ મુશ્કેલ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તેમાં છે. એક યુઝરે લખ્યું, "તેણે પરિસ્થિતિને ક્વીનની જેમ સંભાળી," જ્યારે બીજાએ લખ્યું કે, "આ તેના અસલી આત્મવિશ્વાસની કસોટી હતી."
પરફેક્ટ દેખાવાના દબાણ પર શરૂ થઈ ચર્ચા
આ ઘટનાએ ગ્લેમર વર્લ્ડમાં મહિલાઓ પર 'પરફેક્ટ' દેખાવા માટેના ભારે દબાણ વિશે પણ નવી ચર્ચા છેડી છે. અગાઉ ઓક્ટોબર 2025માં મિસ યુએસએ કન્ટેસ્ટન્ટ મેરી સિકલરે એલોપેસિયા (વાળ ખરવાની બીમારી) હોવા છતાં વિગ વગર ટાલ સાથે રેમ્પ વૉક કરીને ઈતિહાસ રચ્યો હતો. કમોલવાનની આ ઘટના પણ એ જ સાબિત કરે છે કે કુદરતી ખામીઓ હોવા છતાં વ્યક્તિ પોતાની પ્રતિભાના જોરે આગળ વધી શકે છે.
કોરોનેશન સેરેમની પહેલા લોકપ્રિયતામાં ઉછાળો
મિસ થાઈલેન્ડ પેજન્ટની ફાઈનલ સેરેમની શનિવાર, 28 માર્ચે યોજાવા જઈ રહી છે. આ વાઈરલ વીડિયો બાદ કમોલવાન ચનાગો રાતોરાત સ્ટાર બની ગઈ છે. લોકો તેને સોશિયલ મીડિયા પર મોટા પાયે સપોર્ટ કરી રહ્યા છે, જે તેને સ્પર્ધામાં આગળ વધવા માટે ફાયદો કરાવી શકે છે. તેની આ બહાદુરીએ સાબિત કરી દીધું છે કે સાચો તાજ માત્ર માથા પર નહીં, પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં હોય છે.





