logo-img
Nsui Protests Against The Fight At Seventh Day School

સેવેન્થ ડે સ્કૂલમાં મારામારી મામલે NSUI નો વિરોધ : DEOએ કહ્યું 'આચાર્ય અને એડમિન હેડને નોટિસ ફટકારી છે', પોલીસે શર્ટ FSLમાં મોકલ્યું

સેવેન્થ ડે સ્કૂલમાં મારામારી મામલે NSUI નો વિરોધ
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 09:55 AM IST

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે વારંવાર થતી મારામારી, ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓ સામે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ગંભીર મારામારીની ઘટનાએ વાલીઓ અને સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જ્યો છે. આ સમગ્ર મામલે NSUI દ્વારા શાળા સંચાલન સામે કડક વિરોધ નોંધાવી અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને આવેદનપત્ર આપી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

NSUIનો ઉગ્ર વિરોધ

NSUIનું કહેવું છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ વચ્ચે થતી મારામારી અને ગુંડાગીરી રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકાર રહ્યા છે. શાળાનું વ્યવસ્થાપન અને શિસ્ત જાળવવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને શાંતિપૂર્ણ શિક્ષણ વાતાવરણ આપવાની ફરજમાં ભારે બેદરકારી દેખાઈ રહી છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. NSUIએ શાળાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ અને સંબંધિત જવાબદાર અધિકારીઓના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. સાથે જ શાળામાં CCTV કેમેરા, સુરક્ષા કર્મચારીઓ અને શિસ્ત માટે કડક નિયમો લાગુ કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. NSUIએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન અને વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

DEO દ્વારા સેવન્થ ડે સ્કૂલના આચાર્યને ફટકારી નોટિસ

આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DEO દ્વારા સેવન્થ ડે સ્કૂલના આચાર્ય અને એડમિશન હેડને નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર ઘટનાની સમયસર જાણકારી DEOને ન આપવાના કારણે બંને સામે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવાયું છે. DEOએ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં આચાર્ય કે એડમિન હેડ કસૂરવાર સાબિત થશે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ શિક્ષણ નિરીક્ષક દ્વારા સ્કૂલમાં જઈને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

ધોરણ 7ના ચાર વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ

સ્કૂલ સુપરવાઇઝર અલીફ કુમાર નાયક દ્વારા સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના ચાર વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હતી. માહિતી મુજબ, બે દિવસ અગાઉ લાઇનમાં ચાલવા બાબતે મોનીટરે ટોક કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે અદાવત બંધાઈ હતી. ત્યારબાદ ગત રોજ, ચાલુ ક્લાસ દરમિયાન વોશરૂમ જવાના બહાને વિદ્યાર્થીઓ એકબીજાને ધક્કા મારતા ઝઘડામાં ઉતરી ગયા હતા. ઝઘડો એટલો ગંભીર બન્યો કે એક વિદ્યાર્થીનો શર્ટ બ્લેડ વડે ફાડી નાંખવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જો કે શાળા સંચાલન બ્લેડનો ઉપયોગ થયો ન હોવાનો દાવો કરી રહ્યું છે.

શર્ટ કબ્જે લઈ FSLમાં મોકલી આપ્યો

ઘટનાની જાણ થતાં શિક્ષકોએ તરત જ વિદ્યાર્થીઓને અલગ પાડ્યા હતા, પરંતુ ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓનો આરોપ છે કે શાળા સંચાલન દ્વારા સમગ્ર મામલો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વાલીએ લેખિત અરજી આપી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વિદ્યાર્થીનો શર્ટ કબ્જે લઈ FSLમાં મોકલી આપ્યો છે, જેથી બ્લેડનો ઉપયોગ થયો હતો કે નહીં તેની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. પોલીસે શાળા સંચાલન પાસે પણ ઘટના બાદ લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર માહિતી માગી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી વિદ્યાર્થી સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું છે કે તેમના બાળક પર બ્લેડથી હુમલો થયો છે અને શાળાને પહેલેથી જાણ હોવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હવે સમગ્ર મામલો FSL રિપોર્ટ પર નિર્ભર છે. જો બ્લેડનો ઉપયોગ સાબિત થશે, તો શાળા પ્રશાસનની જવાબદારી પણ ચર્ચાના કેન્દ્રમાં આવશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને શાળા સંચાલન, શિક્ષણ વિભાગ અને પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now