ભાજપના અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદ સ્થિત કમલમ ખાતે વિવિધ સંગઠનાત્મક બેઠકો યોજી હતી. આ બેઠકોમાં પાર્ટીના હોદ્દેદારો સાથે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાતે પહોંચ્યા હતા.
'ગુજરાતની સફળતા ગુજરાતી લોકોનું હાર્ડવર્ક'
ગિફ્ટ સિટી ખાતે યોજાયેલ 'યંગ વોઇસ સમિટ – ધ ફ્યુચર બ્લોક' કાર્યક્રમમાં અધ્યક્ષ નીતિન નવીનની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે, '2014 પછી દેશમાં યુવાનોને મજબૂત પ્લેટફોર્મ આપવાનો વિચાર શરૂ થયો છે. ગુજરાતની સફળતા અહીંના લોકોના હાર્ડવર્કનું પરિણામ છે. સવારે સમાજના કેટલાક લોકો સાથે નાસ્તા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 'ગુજરાતી સમાજ અને રાજ્ય માટે જીવે છે, અને દેશને નેતૃત્વ આપવાનું મુખ્ય કારણ પણ ગુજરાતીઓનું પરિશ્રમ છે'.
'શોર્ટકટથી બચવું જોઈએ'
તેમણે ગિફ્ટ સિટી પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં કેટલાક લોકો મજાક ઉડાવતા હતા કે આ સ્વપ્ન ક્યારેય પૂરું નહીં થાય, પરંતુ આજે તે હકીકત બની ગયું છે. તેમણે ટ્રેડ ડીલ અંગે પણ કહ્યું કે જ્યારે આખી દુનિયા શું થશે તે અંગે વિચારતી હતી, ત્યારે પ્રધાનમંત્રી કાર્યરત થયા અને ત્રણ દેશો સાથે ટ્રેડ ડીલ માટે માર્ગ નક્કી કર્યો. યુવાનોને સંદેશ આપતા તેમણે કહ્યું કે શોર્ટકટથી બચવું જોઈએ અને નકારાત્મક વિચારો ધરાવતા લોકો ક્યારેય આગળ વધી શકતા નથી. સતત મહેનત અને સકારાત્મક દૃષ્ટિકોણથી જ દેશ અને સમાજ માટે યોગદાન આપી શકાય છે.




















