logo-img
Nitin Gadkari Announcement Grade Based Driving License System India Traffic Rules

ટ્રાફિક નિયમોના ભંગ બદલ કપાશે પોઈન્ટ્સ : નીતિન ગડકરીની જાહેરાત, દેશમાં ટૂંક સમયમાં અમલી બનશે 'ગ્રેડ' આધારિત ડ્રાઈવિંગ લાઈસન્સ સિસ્ટમ

ટ્રાફિક નિયમોના ભંગ બદલ કપાશે પોઈન્ટ્સ
Published by: Offbeat Team
| Last Updated: Feb 27, 2026, 02:00 AM IST

માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને વાહનચાલકોમાં શિસ્ત કેળવવા માટે ભારત સરકાર હવે ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર ટૂંક સમયમાં 'ગ્રેડ' આધારિત ડ્રાઈવિંગ લાઈસન્સ પ્રણાલી અમલમાં મૂકશે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકોના લાઈસન્સમાંથી નિર્ધારિત અંકો કાપી લેવામાં આવશે અને જો તમામ પોઈન્ટ્સ પૂરા થઈ જાય તો લાઈસન્સ રદ કરવાની પણ જોગવાઈ હશે.

કેવી રીતે કામ કરશે 'ગ્રેડેડ અંક પ્રણાલી'?

રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત માર્ગ સુરક્ષા સંમેલનને સંબોધતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ ચાલક ટ્રાફિકના નિયમો તોડશે ત્યારે તેના લાઈસન્સમાંથી ચોક્કસ ગ્રેડ પોઈન્ટ્સ બાદ કરવામાં આવશે. જો વાહનચાલક વારંવાર ભૂલો કરે અને તેના લાઈસન્સના તમામ પોઈન્ટ્સ શૂન્ય થઈ જાય, તો તેનું લાઈસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ગંભીર ગુના કે ગુનાના પુનરાવર્તનની સ્થિતિમાં લાઈસન્સ કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે. આ આકરી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના જીવનની રક્ષા કરવાનો અને કાયદાનો ચુસ્ત અમલ કરાવવાનો છે.

અકસ્માતના આંકડા ચોંકાવનારા

કેન્દ્રીય મંત્રીએ દેશમાં થતા અકસ્માતોના ચિંતાજનક આંકડા રજૂ કરતા કહ્યું કે, ભારતમાં દર વર્ષે આશરે 5 લાખ માર્ગ અકસ્માતો થાય છે જેમાં 1.8 લાખ લોકો જીવ ગુમાવે છે. સૌથી દુઃખદ બાબત એ છે કે મૃત્યુ પામનાર લોકોમાં 72% લોકો 18 થી 45 વર્ષની વયના છે. અકસ્માતોના મુખ્ય કારણોમાં ઓવર સ્પીડિંગ, હેલ્મેટ કે સીટ બેલ્ટનો અભાવ, નશામાં વાહન ચલાવવું અને ચાલુ વાહને Mobile Phone નો ઉપયોગ સામેલ છે. એકલા ઓવર સ્પીડિંગને કારણે વર્ષે 1.2 લાખ લોકોના મોત થાય છે.

અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવારની સુવિધા

નીતિન ગડકરીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ અકસ્માત પીડિતોની મદદ કરવામાં અચકાય નહીં. સરકારે PM રાહત યોજના હેઠળ ઈમરજન્સી સહાય વ્યવસ્થા શરૂ કરી છે. આ યોજના અંતર્ગત અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીની Cashless સારવાર પૂરી પાડવામાં આવશે. આ માટે પીડિતે હોસ્પિટલના ખર્ચ કે કાનૂની પ્રક્રિયાની ચિંતા કરવાની રહેશે નહીં. સરકારનો હેતુ છે કે 'ગોલ્ડન અવર' (અકસ્માત પછીનો પ્રથમ કલાક) માં પીડિતને તાત્કાલિક સારવાર મળે જેથી તેમનો જીવ બચાવી શકાય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now