Home Agriculture Nilesh Ervadiya Removed From Farmer Protest Camp After Viral Audio

"નિલેશભાઈને અહીંથી છૂટા કરીએ છીએ પારણા કરાવી દઇશું" : ઓડિયો વાયરલ થયા બાદ લેવાયો ખેડૂત સમિતિનો નિર્ણય

ખેડુત આંદોલન
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 09:19 AM IST

મોરબી જિલ્લાના જેતપર ગામ ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં વાયરલ થયેલા એક ઓડિયોને લઈને નવો વળાંક આવ્યો છે. નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવી વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયા બાદ ખેડૂત સમિતિ અને સ્થાનિક ખેડૂતો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના જણાવ્યા મુજબ, છાવણીની છબી અને એકતા જળવાઈ રહે તે માટે નિલેશ એરવાડિયાને ઉપવાસી છાવણીમાંથી દૂર કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ પણ નિલેશ એરવાડિયાને ફરી ઉપવાસી છાવણીમાં બેસવા દેવામાં આવશે નહીં. આ નિર્ણય સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા અને સમિતિની સર્વસંમતિ બાદ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ખેડૂત સમિતિએ શું કહ્યું?

ખેડૂત સમિતિના પ્રતિનિધિ રાજુભાઈ અમૃતિયાએ જણાવ્યું કે હકાભા ગઢવી અને નિલેશ એરવાડિયાનો વાયરલ ઓડિયો સાંભળ્યા બાદ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, "આજે હકાભાઈ અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે. તેથી બધા ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે, તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાળી લ્યો નકર છાવણી વિખાઈ જશે."

તેમણે જણાવ્યું કે "અહીંથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડોક્ટરની રાય લઈ અને એને પારણા જ કરાવી દેશું." કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે ખેડૂતોની પ્રથમ પ્રાથમિકતા હોવાનું તેમણે ઉમેર્યું.

આ પણ વાંચો: 'એક કરોડ મારા અને એક કરોડ તમારા' : હકાભા અને નિલેશ એરવાડિયાની ઓડિયો ક્લિપ વાયરલ, જાણો શું અપાઈ સ્પષ્ટતા

નિલેશ એરવાડિયાએ શું કહ્યું?

નિલેશ એરવાડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વાયરલ થયેલા ઓડિયો અને પોતાના વિરુદ્ધ થયેલા આક્ષેપોને કારણે જો ખેડૂતોની છાવણીની છબી ખરડાતી હોય તો તેઓ સ્વેચ્છાએ છાવણી છોડવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 17 દિવસથી તેઓ ઉપવાસ પર હતા અને તેમની તબિયત સતત બગડી રહી હતી. તેમના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ લોહીની ટકાવારી ખૂબ ઓછી હોવાનું તેમજ કિડની અને લિવર પર અસર થતી હોવાની માહિતી આપી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.

આંદોલન ચાલુ રાખવાની કરી અપીલ

નિલેશ એરવાડિયાએ ગુજરાતભરના ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે વ્યક્તિગત વિવાદોના કારણે ખેડૂત આંદોલન નબળું ન પડવું જોઈએ. તેમણે દાવો કર્યો કે છેલ્લા કેટલાક દિવસોથી આંદોલનને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને વિવિધ પ્રકારના દબાણો પણ ઉભા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવાઓ અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

તેમણે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રાખવા અને પોતાની માંગણીઓ માટે એકજૂટ રહેવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને સમગ્ર ગુજરાત સ્તરે વિસ્તૃત કરવાની દિશામાં વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો: વાયરલ ઓડિયાની ગૂંજ વચ્ચે મોરબીમાં હલચલ : મોરબીમાં સમજાવટનો દોર, હળવદમાં પોલીસ બંદોબસ્ત

આરોગ્યને પ્રાથમિકતા, આંદોલન યથાવત

ખેડૂત સમિતિના નિર્ણય બાદ નિલેશ એરવાડિયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમિતિનું કહેવું છે કે આ નિર્ણય સંપૂર્ણપણે આરોગ્ય અને આંદોલનની એકતા જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે. બીજી તરફ નિલેશ એરવાડિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભલે ઉપવાસી છાવણીમાંથી દૂર થઈ રહ્યા હોય, પરંતુ ખેડૂતોના હકો માટેની લડતમાં આગળ પણ જોડાયેલા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now