Home Automobile New Renault Duster India Launch Testing Details January 26

Renault Dusterનું હાર્ડકોર ટેસ્ટિંગ પૂર્ણ : ત્રણ મહાદ્વીપોમાં 10 લાખ કિલોમીટર સુધી દોડાવીને કરાઈ ચકાસણી

Renault Dusterનું હાર્ડકોર ટેસ્ટિંગ પૂર્ણ
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 05:45 PM IST

રેનો ઈન્ડિયા પોતાની સૌથી લોકપ્રિય એસયુવી Renault Dusterને નવા અવતારમાં ફરીથી ભારતીય રસ્તાઓ પર ઉતારવા માટે સજ્જ છે. આ વખતે કારમાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જે ગ્રાહકોને આકર્ષવા માટે પૂરતા છે. કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે નવી Renault Duster આગામી 26 જાન્યુઆરી 2026ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલા આ કારે તેની સૌથી કઠિન ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ડસ્ટરની મજબૂતી અને ટકાઉપણું તપાસવા માટે તેને ત્રણ અલગ-અલગ ખંડોમાં કુલ 1,000,000 (10 લાખ) કિલોમીટરથી વધુ ચલાવવામાં આવી છે.

બરફીલા પહાડોથી લઈને ધગધગતા રણ સુધીની કસોટી

નવી Renault Dusterને દુનિયાના સૌથી મુશ્કેલ રસ્તાઓ અને વિષમ હવામાનમાં પરખવામાં આવી છે. તેને માઈનસ 23 ડિગ્રી સેલ્સિયસ (-23°C)ની કડકડતી ઠંડીથી લઈને 55 ડિગ્રી સેલ્સિયસ (55°C)ની અસહ્ય ગરમીમાં ચલાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે નવી ડસ્ટરે લદ્દાખની 18,379 ફૂટની ઉંચાઈ પર આવેલા ખારદુંગ લા પાસ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે, જે વિશ્વના સૌથી ઉંચા રસ્તાઓમાંથી એક ગણાય છે. ધૂળવાળી સુરંગો, ઊંડા પાણીવાળા માર્ગો અને પથરાળ વિસ્તારોમાં પણ તેની ટકાઉક્ષમતાની ચકાસણી કરવામાં આવી છે.

ભારત સહિત વિશ્વભરના રસ્તાઓ પર પરીક્ષણ

ડસ્ટરના ડ્રાઈવિંગ પર્ફોર્મન્સને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે ભારત ઉપરાંત બ્રાઝિલ, રોમાનિયા, ફ્રાન્સ, ચીન અને ચેક રિપબ્લિકની સડકો પર તેની ક્ષમતા માપવામાં આવી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાત મુજબ, તેને શહેરના ટ્રાફિક, મોટા સ્પીડ બ્રેકર્સ અને NATRAX તેમજ ARAI જેવા સરકારી ટેસ્ટિંગ ટ્રેક પર પણ દોડાવવામાં આવી છે.

કંપનીનો આત્મવિશ્વાસ

રેનો ઈન્ડિયાના સીઈઓ સ્ટીફન ડેબ્લેસે જણાવ્યું હતું કે, "10 લાખ કિલોમીટરનું ટેસ્ટિંગ એ માત્ર એક આંકડો નથી, પરંતુ અમારી ગુણવત્તાનો પુરાવો છે. અમે ડસ્ટરને હિમાલયની ઉંચાઈઓ અને વિશ્વના સૌથી કઠિન વિસ્તારોમાં એટલા માટે ચલાવી છે જેથી તે ભારતીય રસ્તાઓ પર સંપૂર્ણ સુરક્ષિત અને અજેય સાબિત થઈ શકે."

મેડ ઇન ઇન્ડિયા Renault Duster

નવી Renault Duster સંપૂર્ણપણે 'મેડ ઇન ઇન્ડિયા' કાર હશે. તેનું ઉત્પાદન ચેન્નાઈના ઓરાગડમ સ્થિત રેનોના પ્લાન્ટમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં હાલમાં રેનોના 350 થી વધુ શોરૂમ અને 450 સર્વિસ સેન્ટરનું નેટવર્ક છે, જે ગ્રાહકોને વેચાણ પછીની ઉત્તમ સેવા આપવા માટે તૈયાર છે. નવી ડસ્ટરને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે ખરાબ રસ્તાઓ પર મજબૂતી જાળવી રાખે અને હાઈવે પર વધુ ઝડપે પણ સ્થિર અને સુરક્ષિત ડ્રાઈવિંગનો અનુભવ આપે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now