જો તમે હજુ સુધી તમારા સ્માર્ટફોનમાં mAadhaar એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. UIDAIએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે mAadhaar એપ હવે ટૂંક સમયમાં બંધ થવાની છે. યુઝર્સને હવે નવી Aadhaar App તરફ સ્વિચ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. UIDAI મુજબ નવી એપ વધુ સ્માર્ટ, ઝડપી અને સુરક્ષિત ડિજિટલ અનુભવ આપશે.
mAadhaar એપ કેમ બંધ થઈ રહી છે?
UIDAIએ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે mAadhaar એપ હવે “રિટાયર” થવા જઈ રહી છે. જોકે સંસ્થાએ તેનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે જૂની એપનું ઇન્ટરફેસ અને ટેક્નોલોજી હવે જૂની બની ગઈ હતી. આજના સમયમાં સાયબર ફ્રોડ અને ડેટા સુરક્ષા મોટા પડકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં વધુ સુરક્ષિત અને આધુનિક પ્લેટફોર્મ તરફ આગળ વધવા માટે UIDAIએ નવી Aadhaar App પર ભાર મૂક્યો છે.
નવી Aadhaar Appમાં શું મળશે ખાસ?
નવી Aadhaar Appમાં યુઝર્સને વધુ સારી પ્રાઇવસી અને સુરક્ષા મળશે. તેમાં સ્માર્ટ QR કોડ આધારિત વેરિફિકેશન સિસ્ટમ આપવામાં આવી છે, જે ઓળખને વધુ સુરક્ષિત બનાવે છે.
આ એપ દ્વારા યુઝર્સ સરળતાથી:
આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે
PVC Aadhaar કાર્ડ ઓર્ડર કરી શકે છે
પ્રોફાઇલ અપડેટ સ્ટેટસ ચેક કરી શકે છે
આધાર સંબંધિત અન્ય સેવાઓનો ઉપયોગ કરી શકે છે
UIDAIનો દાવો છે કે નવી એપ વધુ ઝડપી અને સરળ અનુભવ આપશે.
કેવી રીતે ડાઉનલોડ કરશો નવી એપ?
નવી Aadhaar Appને Google Play Store અથવા Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપ ઇન્સ્ટોલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે Developer Name “UIDAI” જ હોય.
એપ ઇન્સ્ટોલ થયા પછી:
ભાષા પસંદ કરો
મોબાઇલ નંબરથી રજીસ્ટર કરો
OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો
ત્યારબાદ તમે તમામ આધાર સેવાઓનો ઉપયોગ કરી શકશો.





