નવસારી: તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ નવસારી જિલ્લામાં જનસ્વાસ્થ્યની સુરક્ષા જાળવવી સૌથી મોટી પ્રાથમિકતા બની છે. પાણી ઉતર્યા બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે સમગ્ર જિલ્લામાં સઘન આરોગ્ય અભિયાન શરૂ કર્યું છે. આ કામગીરીની સમીક્ષા કરવા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શુક્રવારે નવસારી સિવિલ હોસ્પિટલની અચાનક (સરપ્રાઈઝ) મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, ઇમરજન્સી સેવાઓ, સ્વચ્છતા વ્યવસ્થા અને આરોગ્ય સુવિધાઓનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ તથા તબીબી સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં દૈનિક કામગીરીની સમીક્ષા
સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. રંગુનવાલા, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરાયેલી આરોગ્ય સર્વેલન્સ કામગીરી, મેડિકલ કેમ્પ, દવાઓના વિતરણ, પાણીની ગુણવત્તા, મચ્છર નિયંત્રણ અને રોગચાળા નિવારણ માટેની દૈનિક કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ દરેક વિભાગ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવી કામગીરીને વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપી હતી.

320 સર્વેલન્સ ટીમો મેદાનમાં, હજારો આરોગ્ય કર્મચારીઓ કાર્યરત
જિલ્લાના 169 પૂરગ્રસ્ત ગામો અને 11 શહેરી વોર્ડ સહિત કુલ 241 વિસ્તારોમાં આરોગ્ય વિભાગે વિશાળ સર્વેલન્સ નેટવર્ક ઉભું કર્યું છે. જિલ્લામાં 320 સર્વેલન્સ ટીમો, 45 મેડિકલ ઓફિસરો, 7 મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) અને 21 RBSK ટીમો સાથે કુલ 1,796થી વધુ આરોગ્ય કર્મચારીઓ સતત મેદાનમાં રહીને લોકોના આરોગ્ય પર નજર રાખી રહ્યા છે. આરોગ્ય ટીમો ઘર-ઘર જઈને લોકોને આરોગ્ય અંગે માર્ગદર્શન આપી રહી છે, સંભવિત દર્દીઓની ઓળખ કરી રહી છે તેમજ તાવ, ઝાડા, ઊલટી અને અન્ય ચેપી રોગોના લક્ષણો ધરાવતા લોકોની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરી રહી છે.
મેડિકલ કેમ્પ અને દવાઓનું વ્યાપક વિતરણ
પૂરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં 76 મેડિકલ કેમ્પો યોજવામાં આવ્યા છે, જેમાં 677થી વધુ દર્દીઓની OPD સારવાર કરવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રો અને મેડિકલ ટીમોને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારની તાત્કાલિક સારવારમાં વિલંબ ન થાય. પાણીજન્ય રોગોને રોકવા માટે જિલ્લામાં 54,135 ક્લોરિન ટેબ્લેટ, 578 ORS પેકેટ અને 36,914 ડોક્સીસાઈક્લીન કેપ્સ્યુલનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવા, સ્વચ્છતા જાળવવા તથા કોઈપણ લક્ષણ જણાય તો તરત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
પાણીની ગુણવત્તા અને મચ્છર નિયંત્રણ પર વિશેષ ધ્યાન
આરોગ્ય વિભાગે પૂર બાદ પાણીના સ્ત્રોતોની ગુણવત્તા ચકાસવા માટે 2,951 પાણીના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. જેમાંથી 985 સ્થળોએ ક્લોરીનની હાજરી (ક્લોરીન પોઝિટિવ) નોંધાઈ હતી. જ્યાં જરૂરી હતું ત્યાં પાણીના શુદ્ધિકરણ માટે વધારાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાને અટકાવવા માટે 45,593 પાણીના પાત્રોની તપાસ, 11,260 કન્ટેનરમાં ટેમિફોસ ટ્રીટમેન્ટ, 185 સ્થળોએ ઓઈલ બોલનો ઉપયોગ અને 2 સ્થળોએ ડાયફ્લુબેન્ઝ્યુરોનનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે મચ્છરના પ્રજનન સ્થળોને નાબૂદ કરવા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ સાથે સંકલનમાં કામગીરી તેજ કરી છે.
આરોગ્ય મંત્રીની અધિકારીઓને કડક સૂચનાઓ
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓને સૂચના આપી હતી કે જ્યાં સુધી પૂર બાદની પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ આરોગ્ય ટીમો એલર્ટ મોડમાં રહે. તેમણે દવાઓ, ORS, ક્લોરિન ટેબ્લેટ અને અન્ય જરૂરી આરોગ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ કોઈપણ વિસ્તારમાં રોગચાળાના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર જનસ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને જરૂર પડે ત્યાં વધારાની મેડિકલ ટીમો તથા સંસાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: જામનગરમાં માલધારીઓને મોટો ફટકો : જગા ગામમાં 50થી વધુ ઘેટાં-બકરાંના અચાનક મોત, પશુપાલન વિભાગ દૌડતું થયું
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે નાગરિકોને સ્વચ્છતા જાળવવા, માત્ર શુદ્ધ અથવા ઉકાળેલું પાણી પીવા, ખુલ્લામાં પાણી ભરાઈ રહે તે ટાળવા અને તાવ, ઝાડા, ઊલટી, ચામડીના ચેપ અથવા અન્ય કોઈ લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા મેડિકલ ટીમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પૂર બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે સરકાર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને સમગ્ર જિલ્લામાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.






