Vadodara News: ઉપરવાસમાં થઈ રહેલા ભારેથી અતિભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સામે લડવા સ્થાનિક વહીવટી તંત્ર પૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. સ્થાનિક તંત્રને મદદરૂપ થવા, કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુભવી IAS અધિકારી અને SOUના સીઇઓ અમિત અરોરાને ખાસ જવાબદારી સોંપી વડોદરા મોકલવામાં આવ્યા છે.
IAS અમિત અરોરાએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, તૈયારીઓની સમીક્ષા કરી
વડોદરા પહોંચીને તેમણે મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં શહેરની સંભવિત પૂરની સ્થિતિ, પાણીના નિકાલની વ્યવસ્થા, ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અને રાહત સામગ્રીના વિતરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ IAS અમિત અરોરાએ તંત્રની સજ્જતા જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.
કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ, સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર
મહાનગરપાલિકા દ્વારા સિટી કંટ્રોલ રૂમ પરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા તાકીદે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તમામ સંવેદનશીલ વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. હાલમાં પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી, આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરની જળસપાટી પર ચોવીસેય કલાક નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: "Thank you friends…" PM મોદીએ સતત બીજી રાત્રે શેર કર્યો વીડિયો : લોકોના પ્રતિસાદ બદલ વ્યક્ત કર્યો આભાર
વિશ્વામિત્રી અને આજવા પર સતત નજર, કોઈપણ પરિસ્થિતિ માટે તંત્ર તૈયાર
હાલમાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર 13 ફૂટ આસપાસ છે, જે ભયજનક સપાટીથી દૂર છે, જ્યારે આજવા સરોવરની જળસપાટી પણ 208 ફૂટ આસપાસ પહોંચી છે. આજે સવારથી વરસાદે વિરામ લેતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમ છતાં, આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ અને એલર્ટ સ્થિતિમાં છે.





