Home Gujarat Navneet Baldhis Court Case Continues Even After Jairaj Ahirs Arrest

જયરાજ આહીરની ધરપકડ બાદ પણ નવનીત બાલધિયાની ન્યાય સભા! : PI ડી વી ડાંગર પર યોગ્ય કાર્યવાહીની કરી માગ

જયરાજ આહીરની ધરપકડ બાદ પણ નવનીત બાલધિયાની ન્યાય સભા!
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 06:21 AM IST

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બગદાણા થયેલા હુમલા વિવાદ મામલે કોળી સમાજ દ્વારા વિશાળ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ન્યાય સભામાં બગદાણાના યુવાન નવનીત બાલધિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા મારામારીના બનાવને લઈને સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો, જેને પગલે ન્યાયની માંગ સાથે આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

SIT તપાસ વચ્ચે કોળી સમાજની વધુ એક સભા

બગદાણા ખાતે બનેલી ઘટનામાં શરૂઆતની પોલીસ તપાસ દરમિયાન બેદરકારી અને પક્ષપાત થયાના આક્ષેપો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો હતો. કોળી સમાજ દ્વારા સતત ન્યાયની માંગ ઉઠાવવામાં આવતી હતી, ત્યારબાદ આખરે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા તપાસ આગળ વધારતા અત્યાર સુધીમાં ફરિયાદમાં નામ ધરાવતા 8 શખ્સો ઉપરાંત જયરાજ આહીર સહિત કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હાલ SIT દ્વારા તપાસ હજુ પણ ચાલુ છે.

PI ડી.વી. ડાંગર પર યોગ્ય કાર્યવાહીની માગ કરી

ન્યાય સભામાં ઉપસ્થિત સમાજના આગેવાનો અને લોકોએ આગામી સમયમાં દોષિતોને કડક સજા થાય અને પીડિત યુવક નવનીત બાલધિયાને સંપૂર્ણ ન્યાય મળે તેવી મજબૂત માંગ કરી હતી. સાથે જ ન્યાય સભા દરમિયાન કોળી સમાજના આગેવાનોએ તપાસના પ્રથમ અધિકારી તથા તાત્કાલીન બગદાણા પોલીસ મથકના PI ડી.વી. ડાંગર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પોલીસ વિભાગ અને રાજ્ય સરકાર પાસે આ અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા માંગ કરી હતી.

બગદાણાના યુવાન પર થયેલા હુમલાના વિરોધમાં યોજાયેલી આ ન્યાય સભામાં કુંભારવાડા વિસ્તારમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર સભા દરમિયાન ન્યાય, પારદર્શક તપાસ અને દોષિતોને કડક સજા મળે તેવા નારા ગુંજતા રહ્યા, જેથી સમગ્ર વિસ્તારનો માહોલ ગંભીર અને સંવેદનશીલ બની ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now