સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શનિવારે કહ્યું કે, વડાપ્રધાને ગંભીર ગુનાઓ માટે જેલમાં જવા પર વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓને તેમના પદ પરથી દૂર કરતા કાયદાને ક્રાંતિકારી ગણાવ્યો છે. આ સાથે તેમણે આ જોગવાઈમાંથી મુક્તિ લેવાનો પણ ઇનકાર કર્યો હતો. એક સમાચાર એજન્સી ને આપેલા ઇન્ટરવ્યુમાં રિજિજુએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ કેબિનેટને કહ્યું હતું કે વડા પ્રધાનને આ બિલમાંથી બહાર રાખવાની ભલામણ કરવામાં આવી છે, પરંતુ તેઓ તેના માટે સંમત થયા નથી. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ વડા પ્રધાનને કોઈ છૂટ આપવાનો ઇનકાર કર્યો હતો. રિજિજુએ એમ પણ કહ્યું કે દેશના લોકો બંધારણ સુધારા બિલની જોગવાઈઓનું સ્વાગત કરી રહ્યા છે અને વિપક્ષી પક્ષોએ પણ તેનું સ્વાગત કરવું જોઈતું હતું.
''કંઈક ખોટું કરશે, તો તેમણે પોતાનું પદ છોડવું પડશે''
તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ વડાપ્રધાનને પણ કોઈપણ છૂટ આપવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન પણ એક નાગરિક છે અને તેમને ખાસ સુરક્ષા મળવી જોઈએ નહીં. મોટાભાગના મુખ્ય પ્રધાનો અમારી પાર્ટીના છે. જો તેઓ કંઈક ખોટું કરશે, તો તેમણે પોતાનું પદ છોડવું પડશે. નૈતિકતાનો પણ કોઈ અર્થ હોવો જોઈએ. જો વિપક્ષે નૈતિકતાને કેન્દ્રમાં રાખી હોત, તો તેઓ આ બિલનું સ્વાગત કરત. કિરેન રિજિજુએ કહ્યું કે, PM મોદી એવા પ્રધાનમંત્રી છે, જેમણે ભલામણનો વિરોધ કર્યો છે અને પ્રધાનમંત્રીને તે શ્રેણીમાં સામેલ કર્યા છે કે જો પ્રધાનમંત્રી કોઈ ભ્રષ્ટાચાર કરે છે, તો તેમણે જેલમાં જવું પડશે અને પોતાનું પદ છોડવું પડશે. કોઈ પણ પદ પછી તે મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી, કાયદાથી ઉપર ન હોઈ શકે. વિપક્ષને આના પર શું વાંધો છે?
130મા બંધારણ સુધારા બિલ
શું કેન્દ્ર સરકારે 130મા બંધારણ સુધારા બિલ પર વિપક્ષ સાથે અગાઉથી ચર્ચા કરી હતી? જેના પર કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું કે, પૂર્વ ચર્ચા પછી બધા સંમત થયા હતા. સ્પીકરે સભ્યોને કહ્યું હતું કે જ્યારે ગૃહમંત્રી બિલ રજૂ કરશે, ત્યારે કોઈ સભ્ય ખુરશીની નજીક નહીં આવે, આ અંગે સર્વસંમતિ થઈ ગઈ. પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ટીએમસી સાંસદો ખુરશીની નજીક કૂદી પડ્યા અને કાગળો ફેંકવા લાગ્યા.






