Home Gujarat Names Of 14 Lakh Voters Missing In Ahmedabad

અમદાવાદમાં 14.52 લાખ મતદારોના નામ કમી : 48.06 લાખ લોકોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન થયું, જિલ્લામાં 50થી વધુ હેલ્પ ડેસ્ક

અમદાવાદમાં 14.52 લાખ મતદારોના નામ કમી
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 07:01 AM IST

Ahmedabad SIR: અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે SIR ની ડ્રાફ્ટ મતદારયાદી જાહેર કરતાં જણાવ્યું કે જિલ્લાના કુલ 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની તમામ ERO કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50 થી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે. આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. મતદારો પોતાના વાંધાઓ તથા હક-દાવાઓ અહીં તેમજ voters helpline app પર ઓનલાઇન પણ દાવા-સુધારા રજૂ કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લામાં નોંધાયેલા કુલ 62,59,620 મતદારો પૈકી 14,52,816 એટલે કે 23 ટકા જેટલા મતદારોના ફોર્મ ASD-મૃત્યુ પામેલા, ગેરહાજર (Untraceable/Absent), કાયમી ધોરણે સ્થળાંતરિત(Permanently Shifted) અને અન્ય કારણોસર પરત જમા થયા નથી. આવા ASD મતદારોની યાદી https://ahmedabad.nic.in/ અને https://ahmedabad.gujarat.gov.in/વેબસાઇટ પર જોઈ શકાશે.

વધુમાં, નવાં નામ ઉમેરવાં, સ્થળાંતર કે અન્ય સુધારા માટે ફોર્મ-6, 7 અને 8 વિશે પણ સમજણ આપવામાં આવી હતી. આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર 1950 પરથી પણ માહિતી મેળવી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ જણાવ્યું કે રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી કુલ 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે. જેઓ દરરોજ 50 જેટલા મતદારોના વાંધા-દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે.

અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12 ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે. આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં SIR સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે તેમ કલેક્ટરે ઉમેર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now