સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ, પત્ની અને પુત્રના રહસ્યમય મોતથી ભારે હડકંપ મચ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેયના મૃતદેહ ઘરના અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા, જેના કારણે મામલો વધુ રહસ્યમય બન્યો છે. આ ઘટના ગૂંગળામણથી મોતની છે કે આપઘાતનો બનાવ છે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
ઘરના દરવાજા અંદરથી બંધ હતા
મળતી માહિતી મુજબ, મૃતક પરિવાર ચાર દિવસ પહેલાં જ સાઉદી અરબની યાત્રા કરીને પરત આવ્યો હતો. પરિવાર લાંબા સમયથી આ મકાનમાં રહેતો હતો. લાંબા સમય સુધી ઘરનું દરવાજું ન ખુલતાં આસપાસના લોકોએ શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદર ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. મહત્વની વાત એ છે કે ઘરના દરવાજા અંદરથી બંધ હતા.
ગેસ લિકેજની સંભાવના
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં ગેસ લિકેજની સંભાવનાને નકારી શકાતી નથી. પોલીસે જણાવ્યું હતું કે એસી અને ગીજર કોમન એરિયામાં લગાવવામાં આવેલા હતા. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પ્રવેશી ત્યારે તેમને પણ ઘરમાં ગૂંગળામણ (સફોકેશન) અનુભવ્યુું હતું. જેથી ગેસ અથવા કાર્બન મોનોક્સાઇડ લીકેજથી મોત થયાની શક્યતા તપાસમાં લેવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે કે આ ઘટના અકસ્માત છે કે કોઈ અન્ય કારણસર બની છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી છે.
મૃતકોના નામ
ફૈઝ અહેમદ, પિતા - 36 વર્ષ
મુબીના અહેમદ, માતા - 32 વર્ષ
નોમાન અહેમદ, પુત્ર - 13 વર્ષ




















