બોલિવૂડની બેબાક અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર ચર્ચા જગાવી છે. તાજેતરના દિલ્હીના એક કાર્યક્રમમાં તેણીએ પોતાની ફિલ્મી સફરની સરખામણી શાહરૂખ ખાન સાથે કરી અને જણાવ્યું કે તેનો સંઘર્ષ કિંગ ખાન કરતા ઘણો મુશ્કેલ રહ્યો છે. કંગના રનૌતે તેની ફિલ્મી સફર વિશે ખુલ્લેઆમ વાત કરી. તેણીએ કહ્યું, "લોકો ઘણીવાર પૂછે છે કે મેં આટલી સફળતા કેવી રીતે મેળવી. સત્ય એ છે કે, મારી સફર કોઈપણ સ્થાપિત સ્ટાર કરતા વધુ મુશ્કેલ હતી.
બોલિવૂડમાં સ્થાન એક અશક્ય સપના જેવું
કંગનાએ કહ્યું, "હું હિમાચલ પ્રદેશના ભાંબલા ગામથી આવું છું, જેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. ત્યાંથી બોલિવૂડમાં સ્થાન મેળવવું એક અશક્ય સપના જેવું હતું."કંગનાએ જણાવ્યું કે તેણીએ ઘર છોડીને 19 વર્ષની ઉંમરે "ગેંગસ્ટર" ફિલ્મથી બોલિવૂડમાં પગપેસારો કર્યો હતો. "ફેશન", "તનુ વેડ્સ મનુ", "ક્વીન" જેવી ફિલ્મોએ તેને સુપરસ્ટાર બનાવી.
માત્ર મહેનત અને પ્રામાણિકતાથી મુકામ
ચાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર કંગનાએ શાહરૂખ ખાનની પૃષ્ઠભૂમિ સાથે સરખામણી કરતા કહ્યું, "શાહરૂખ દિલ્હીના હતા, તેમના પરિવારને ફિલ્મ ઉદ્યોગનો પરિચય હતો, જ્યારે હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં ફિલ્મો વિશે કોઈ જાણકારી નહોતી."તેણીએ ગર્વ સાથે કહ્યું, "મેં કોઈની મદદ વિના, માત્ર પોતાની મહેનત અને પ્રામાણિકતાથી આ મુકામ હાંસલ કર્યો છે." આજે કંગના માત્ર એક અભિનેત્રી જ નથી, પરંતુ રાજકારણ અને સામાજિક મુદ્દાઓ પર પોતાના નિર્ભીક વિચારો માટે પણ જાણીતી છે.