Home National Mumbai Food Poisoning Family Death

મુંબઈમાં શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગથી એક જ પરિવારના ચારનાં મોત : બિરીયાની અને તડબૂચ ખાધા બાદ બની ઘટના

મુંબઈ ફૂડ પોઈઝનિંગ કેસ
Published by: Niraj Chokshi
Last Updated: Apr 27, 2026, 02:37 PM IST

મુંબઈના પાયધુની વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગથી મોત થયા છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમની બે નાબાલિક દીકરીઓનો સમાવેશ થાય છે. આ ઘટના માત્ર 12 કલાકના અંતરમાં બની, જેને કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, પરિવારએ પહેલા બિરયાનીનું ભોજન લીધું હતું અને બાદમાં મધરાતે તરબૂચ ખાધું હતું. ત્યારબાદ વહેલી સવારે બધા સભ્યોને ઉલ્ટી અને ડાયરીયા જેવી ગંભીર તકલીફો શરૂ થઈ હતી. તેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન એક પછી એક ચારેયના મોત થયા.

માહિતી અનુસાર, 25 એપ્રિલની રાત્રે પરિવારએ ઘરે સગાઓને ભોજન માટે બોલાવ્યા હતા. લગભગ 10:30 વાગ્યે સૌએ સાથે ભોજન લીધું અને સગાઓ પોતાના ઘરે પરત ગયા. ત્યારબાદ, રાત્રે લગભગ 1 વાગ્યે પરિવારના ચારેય સભ્યોએ તરબૂચ ખાધું હતું.

સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે ચારેયની તબિયત બગડવા લાગી. શરૂઆતમાં ઘરેલુ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી, પરંતુ હાલત ગંભીર બનતા તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં, તમામને બચાવી શકાયા નહીં.

પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે તરબૂચને શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ભોજન કરનારા અન્ય સગાઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. આ કારણે અડધું ખાધેલું તરબૂચ અને અન્ય ખાદ્ય નમૂનાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લેબ ટેસ્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તરબૂચ જેવા ફળોમાં જો યોગ્ય રીતે સંગ્રહ અથવા સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ શકે છે. ગરમીના દિવસોમાં ખાસ કરીને કાપેલા ફળો વધુ જોખમી બની શકે છે, કારણ કે તે ઝડપથી બગડી શકે છે. આ કારણે ફૂડ હાઇજિન અને સ્ટોરેજ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ રાખી છે. તમામ નમૂનાઓના રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે આ ઘટના ફૂડ પોઈઝનિંગથી થઈ છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે. આ ઘટના શહેર માટે ચેતવણીરૂપ બની છે, જ્યાં રોજિંદા ખોરાકમાં પણ સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે ફરી સાબિત થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now