વડોદરાની ઐતિહાસિક અને નામાંકિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા હવે વધુ મજબૂત અને હાઈટેક બનવા જઈ રહી છે. દરરોજ હજારો દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને વસવાટ કરે છે, ત્યારે સમયની માંગ સાથે સુરક્ષા માળખાને અદ્યતન બનાવવું અનિવાર્ય બન્યું હતું. જેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર દ્વારા એક બહુ મોટી સર્વેલન્સ પહેલ હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કુલ 89.06 લાખ રૂપિયાના માતબર ખર્ચે સમગ્ર કેમ્પસમાં 313 નવા સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી આપી કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ આધુનિક સર્વેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીના તમામ મહત્વના અને સંવેદનશીલ સ્થળોને આવરી લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સીધા જોડાયેલા એવા હોસ્ટેલ પરિસર, યુનિવર્સિટીના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, આંતરિક અવરજવરના રસ્તાઓ, વાહનોના પાર્કિંગ એરિયા અને અન્ય અવાવરુ કે સંવેદનશીલ સ્થળોને ચોવીસ કલાક ડિજિટલ સર્વેલન્સ હેઠળ લાવવામાં આવશે. આ નવી ટેકનોલોજીના કારણે કેમ્પસમાં બનતી અસામાજિક પ્રવૃત્તિઓ અને છેડતી જેવા બનાવો પર સંપૂર્ણ રોક લગાવી શકાશે.
આ પણ વાંચો: વડોદરામાં વીજચોરો સામે GUVNLની મેગા ડ્રાઈવ : 1,062 કનેક્શનની તપાસમાં 39 કેસ ઝડપાયા, રૂ.34.67 લાખની વીજચોરીનો પર્દાફાશ
યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી તકનીકી પહેલથી કેમ્પસની આંતરિક સુરક્ષા વધુ સુદ્રઢ અને સચોટ બનશે. મુખ્ય વિસ્તારો પર કંટ્રોલ રૂમમાંથી સતત લાઈવ નજર રાખી શકાશે અને કોઈ પણ અણધારી કે કટોકટીની પરિસ્થિતિના સમયે સેકન્ડોની અંદર સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ઝડપી પ્રતિભાવ આપી શકશે. આ પ્રોજેક્ટ યુનિવર્સિટીના ટેકનોલોજીના સમર્થ ઉપયોગ દ્વારા સુરક્ષા સ્તરને વૈશ્વિક ધોરણો મુજબ વધારવાના ફોકસને સ્પષ્ટપણે દર્શાવે છે.
આ નવી કેમેરા સિસ્ટમ માત્ર મોનિટરિંગ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેનાથી સમગ્ર યુનિવર્સિટી પરિવાર, ખાસ કરીને બહારગામથી આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક મોટી માનસિક શાંતિ આપશે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને હવે વધુ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ મળશે. કેમ્પસમાં મુક્તપણે હરતા-ફરતા વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ અને મુલાકાતીઓ સૌ કોઈને સુરક્ષિત જીવન અને ઉચ્ચ શિક્ષણનું ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે એમ.એસ. યુનિવર્સિટીનું આ કદમ આવકારદાયક સાબિત થશે.





