Home Gujarat Vadodara Karjan Police Furnace Oil Theft Racket Bamangam Vadodara

વડોદરામાં કરજણ પોલીસનો મોટો પર્દાફાશ : ફર્નેશ ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ; ₹40.54 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા પોલીસે ઝડપેલા આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Jul 10, 2026, 12:14 PM IST

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સક્રિય બનેલી કરજણ પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને ફર્નેશ ઓઇલની સંગઠિત ચોરી કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કરજણ તાલુકાના બામણગામની સીમમાં આવેલા હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પોલીસે ઓચિંતો દરોડો પાડી કંપનીના સત્તાવાર ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી ફર્નેશ ઓઇલની ચોરી કરતા છ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી બે ઓઇલ ટેન્કર, ચોરી માટે વપરાતા સાધનો અને અન્ય સામાન સહિત કુલ રૂ.40,54,567નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ અને તેમની ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ અને વોચ દરમિયાન હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે બામણગામ સ્થિત હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 31 અને 32માં ગેરકાયદેસર રીતે ઓઇલની હેરાફેરી ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળને ચારેય બાજુથી ઘેરી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટેન્કરમાંથી ફર્નેશ ઓઇલ ઉતારવાની ગેરકાયદેસર કામગીરી ચાલી રહી હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

કંપનીના ટેન્કરમાંથી જ ઓઇલની ચોરી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જંબુસર ખાતે આવેલી સ્કોટ ગ્લાસ ઇન્ડિયા કંપની લિમિટેડ દ્વારા ફર્નેશ ઓઇલના પરિવહન માટે સ્ટાર એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટને સત્તાવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આરોપીઓ પાસે ટેન્કરના તમામ અધિકૃત દસ્તાવેજો અને બિલ્ટી હોવા છતાં તેઓ ઓઇલને નિર્ધારિત સ્થળે પહોંચાડવાને બદલે બામણગામના એક અવાવરૂ પ્લોટમાં લઈ આવ્યા હતા.

ત્યાં ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી ઓઇલ કાઢીને અન્ય જગ્યાએ સંગ્રહ કરવાની કામગીરી ચાલી રહી હતી. પોલીસે દરોડો પાડતા અંદાજે 7,505 કિલોગ્રામ ફર્નેશ ઓઇલ, જેની બજાર કિંમત રૂ.5,29,853 જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તે ચોરી કરતાં આરોપીઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો: મોબાઈલ ચોરીની શંકાએ લીધો જીવ : વડોદરામાં સગીરે પાઇપ મારી આધેડને મોતને ઘાટ ઉતાર્યો, 1 વર્ષ બાદ થયો ચોંકાવનારો ખુલાસો

6 આરોપીઓની ધરપકડ, અનેક સાધનો જપ્ત

આ કેસમાં પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સીરાજ અહેમદ, ફરાજ અસ્ફાક ખાન, અબ્દુલ મજીદ, મહમદ શોયેબ, અસ્ફાક અહેમદ અને નસીબુલ્લાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી પોલીસે બે ઓઇલ ટેન્કર ઉપરાંત પાંચ લોખંડના બેરલ, એક જનરેટર, ઇલેક્ટ્રિક મોટર, રબ્બરની પાઇપો, ઓઇલ સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી ત્રણ સિન્ટેક્સ ટાંકી તેમજ એક મોટરસાયકલ પણ કબજે કરી છે. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.40,54,567 હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ શરૂ

પોલીસના મતે આ કોઈ એકલદોકલ ચોરી નહીં પરંતુ પૂર્વ આયોજન સાથે ચલાવવામાં આવતું સંગઠિત રેકેટ હોઈ શકે છે. આરોપીઓ અગાઉ પણ આવી રીતે કંપનીના ટેન્કરમાંથી ઓઇલની ચોરી કરતા હતા કે નહીં, તેમજ આ ચોરીનો માલ કોને વેચવામાં આવતો હતો તે સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ટ્રાન્સપોર્ટ કંપનીના અન્ય કર્મચારીઓ અથવા અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ વધારી રહી છે. જરૂર જણાશે તો વધુ ધરપકડ પણ થઈ શકે છે. આ સમગ્ર કાર્યવાહીથી ઔદ્યોગિક વિસ્તારોમાં કિંમતી ઔદ્યોગિક ઇંધણની ચોરી કરતા ગેરકાયદે નેટવર્ક સામે પોલીસને મહત્વની સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now