Home International Most Powerful Countries In The World 2025 Ranking India Position Us News Report

અમેરિકા, ચીન, રશિયા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ : ભારત કયા નંબર પર?

અમેરિકા, ચીન, રશિયા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 04:00 PM IST

વૈશ્વિક સ્તરે કયો દેશ કેટલો તાકાતવર છે તે નક્કી કરવા માટે તેની આર્થિક સ્થિતિ અને સૈન્ય ક્ષમતા ખૂબ મહત્વની હોય છે. વિશ્વભરના દેશો પોતાની રાજકીય વગ અને આંતરરાષ્ટ્રીય સંબંધોને આધારે ગ્લોબલ લીડર બનવાની રેસમાં હોય છે. હાલમાં જ યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ દ્વારા વર્ષ 2025 માટે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટમાં અમેરિકાએ ફરી એકવાર બાજી મારી છે અને પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે ભારત જેવા વિશાળ દેશને ટોપ 10માં પણ સ્થાન મળ્યું નથી.

આ રિપોર્ટ અનુસાર અમેરિકા મજબૂત અર્થતંત્ર અને આધુનિક મિલિટરી પાવરના કારણે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બન્યો છે. આ યાદીમાં બીજા ક્રમે ચીન છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ક્ષેત્રે જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે. ત્રીજા સ્થાને રશિયા છે જે પોતાના વિપુલ કુદરતી સંસાધનો અને સૈન્ય તાકાતના જોરે આ સ્થાન પર ટકેલું છે. આ રેન્કિંગમાં સાઉદી અરેબિયા નવમા ક્રમે અને ઈઝરાયલ દસમા ક્રમે છે.

અન્ય દેશોની વાત કરીએ તો જર્મની ગ્રીન એનર્જી ટેકનોલોજીમાં આગળ હોવાથી તેને મહત્વનું સ્થાન મળ્યું છે જ્યારે યુનાઈટેડ કિંગડમ ટેકનોલોજી સ્ટાર્ટઅપ માટે હબ બની રહ્યું છે. એશિયાઈ દેશોમાં જાપાન સેમીકન્ડક્ટર અને ઈલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદનમાં આગળ છે જ્યારે સાઉથ કોરિયા પણ ટેકનોલોજીમાં અગ્રેસર છે. સાઉદી અરેબિયા ઓઈલ ઈન્ડસ્ટ્રી અને પર્યટનના વિકાસને કારણે આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે.

સૌથી વધુ ચોંકાવનારી વાત ભારત માટે છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પાંચમા ક્રમે આવે છે. આમ છતાં શક્તિશાળી દેશોની યાદીમાં ભારતને 12મું સ્થાન મળ્યું છે. ભારત આ રેન્કિંગમાં યુએઈ જેવા દેશ કરતા પણ પાછળ છે. રિપોર્ટમાં ભારતનો જીડીપી 3.55 ટ્રિલિયન ડોલર અને વસ્તી 1.43 બિલિયન હોવાનો ઉલ્લેખ છે.

આ રેન્કિંગ તૈયાર કરવા માટે સંશોધકોએ મુખ્યત્વે પાંચ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં દેશનું નેતૃત્વ, આર્થિક મજબૂતી, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય ગઠબંધન અને સૈન્ય ક્ષમતાઓનો સમાવેશ થાય છે. આ તમામ માપદંડોના આધારે પેન્સિલવેનિયા યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓના સહયોગથી આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now