Home International Mossad Chief David Barnea Prediction Iran Government Collapse

ઈરાનમાં ક્યારે આવશે સત્તા પરિવર્તન? : મોસાદ ચીફે યુદ્ધ પૂર્વે જ તૈયાર કરી હતી ખાસ બ્લુપ્રિન્ટ

ઈરાનમાં ક્યારે આવશે સત્તા પરિવર્તન?
Published by: Vishal Dave
Last Updated: Mar 24, 2026, 04:32 PM IST

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગના 25 દિવસ વીતી ગયા હોવા છતાં અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના ચીફ ડેવિડ બાર્નિયાનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બાર્નિયાએ ઇઝરાયેલની કેબિનેટ સમક્ષ દાવો કર્યો હતો કે તેહરાનમાં સત્તા પલટો શક્ય છે, પરંતુ આ પ્રક્રિયામાં દિવસો કે અઠવાડિયા નહીં, પણ અંદાજે એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

યુદ્ધ પહેલા જ ઘડાઈ હતી રણનીતિ

જેરુસલેમ પોસ્ટના રિપોર્ટ મુજબ, યુદ્ધ શરૂ થવાના એક દિવસ અગાઉ જ મોસાદ ચીફ દ્વારા ઇઝરાયેલના ટોચના નેતાઓ સમક્ષ કેટલાક સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં તેમણે અનુમાન લગાવ્યું હતું કે ઈરાનમાં શાસન વ્યવસ્થા બદલવી મુશ્કેલ નથી, પરંતુ તે કેટલીક ચોક્કસ શરતો અને સંજોગો પર નિર્ભર રહેશે. તેમના મતે આ પરિવર્તન માટે ધીરજ રાખવી અનિવાર્ય છે કારણ કે તેમાં લાંબો સમય લાગી શકે છે.

મોસાદનો 'મિશન ઈરાન' પ્લાન

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2026માં ડેવિડ બાર્નિયાએ નેતન્યાહુ અને ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે યુદ્ધની શરૂઆત થતાની સાથે જ મોસાદ ઈરાનના વિપક્ષી જૂથોને એકજૂથ કરવામાં મદદ કરી શકે છે. આ આંતરિક સંગઠન દ્વારા દેશમાં તોફાનો અને વિદ્રોહ ફાટી નીકળે તેવી યોજના હતી, જેથી સરકારનું પતન થાય. જોકે, યુદ્ધના ત્રણ સપ્તાહ બાદ પણ ઈરાનમાં હજુ સુધી આવો કોઈ મોટો આંતરિક વિદ્રોહ જોવા મળ્યો નથી.

ટોચના નેતૃત્વને ખતમ કરવાનું લક્ષ્ય

બાર્નિયાની આ યોજનામાં ઈરાનના સૈન્ય લક્ષ્યોને હાંસલ કરવાની સાથે-સાથે ત્યાંના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાની પ્રાથમિકતા હતી. સરકારી સંસ્થાઓને નુકસાન પહોંચાડીને વર્તમાન શાસનને નબળું પાડવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ બંનેએ સંકેત આપ્યા હતા કે સૈન્ય કાર્યવાહીથી સત્તા પરિવર્તન માટેનું વાતાવરણ તો બનશે, પરંતુ અંતે તો ઈરાનની જનતાએ જ પોતે આગળ આવીને આ ફેરફાર લાવવો પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now