ચોમાસામાં વધે છે રેટ ફીવરનો ખતરો, જાણો બચવાના ઉપાય
ચોમાસાની ઋતુમાં પાણી ભરાવા અને ગંદકી વધવાના કારણે લેપ્ટોસ્પાયરોસિસ (Rat Fever)નું જોખમ વધી જાય છે. આ એક બેક્ટેરિયલ ચેપ છે, જે ઉંદર સહિત ચેપગ્રસ્ત પ્રાણીઓના મૂત્રથી દૂષિત થયેલા પાણી અથવા માટીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ભારે વરસાદ અને પાણી ભરાવા બાદ તેના કેસોમાં વધારો જોવા મળે છે.
શું છે લેપ્ટોસ્પાયરોસિસ?
લેપ્ટોસ્પાયરોસિસ Leptospira નામના બેક્ટેરિયાથી થતો ચેપ છે. જો કોઈ વ્યક્તિ દૂષિત પાણીમાં ચાલે, ખુલ્લા ઘા સાથે આવા પાણીના સંપર્કમાં આવે અથવા દૂષિત પાણી શરીરમાં જાય તો ચેપ લાગી શકે છે. સમયસર સારવાર ન મળે તો કિડની, લિવર, ફેફસાં અને મગજ પર ગંભીર અસર થઈ શકે છે.
કયા છે તેના મુખ્ય લક્ષણો?
આ રોગના શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ તાવ જેવા હોઈ શકે છે. તેમાં નીચેના લક્ષણો જોવા મળે છે:
અચાનક તાવ આવવો
માથાનો દુખાવો
શરીર અને ખાસ કરીને પિંડળીમાં દુખાવો
આંખો લાલ થવી
ઉલ્ટી અથવા ઉબકા
થાક અને ઠંડી લાગવી
ગંભીર સ્થિતિમાં કમળો, કિડની ફેલ થવી, શ્વાસ લેવામાં તકલીફ અથવા મેનિન્જાઇટિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કોને વધુ જોખમ?
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતા લોકો, સફાઈ કર્મચારીઓ, મજૂરો, ખેતી સાથે જોડાયેલા લોકો અને વારંવાર ગંદા પાણીના સંપર્કમાં આવતા લોકોને ચેપ લાગવાનું જોખમ વધુ રહે છે. ચોમાસામાં શહેરોમાં પાણી ભરાવાથી આ જોખમ વધી જાય છે.
આ પણ વાંચો : ચોમાસામાં ફરવા માટે ગુજરાતના આ 6 સ્થળો છે બેસ્ટ : હરિયાળી અને ધોધના નજારા મન મોહી લેશે
બચવા માટે શું કરવું?
પાણી ભરાયેલા રસ્તાઓમાં ચાલવાનું ટાળો.
જરૂર પડે તો ગમબૂટ અથવા વોટરપ્રૂફ ફૂટવેર પહેરો.
ખુલ્લા ઘા હોય તો તેને સારી રીતે ઢાંકો.
વરસાદી પાણીના સંપર્ક પછી હાથ-પગ સાબુથી સારી રીતે ધોઈ લો.
તાવ કે અન્ય લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો અને તાજેતરમાં ગંદા પાણીના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી આપો.
સમયસર સારવાર કેમ જરૂરી?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ લેપ્ટોસ્પાયરોસિસના શરૂઆતના લક્ષણો ડેન્ગ્યુ, મેલેરિયા અથવા સામાન્ય વાયરલ તાવ જેવા હોવાથી ઘણા લોકો તેને અવગણે છે. પરંતુ વહેલી તકે તપાસ અને યોગ્ય એન્ટિબાયોટિક સારવાર શરૂ કરવામાં આવે તો ગંભીર જટિલતાઓથી બચી શકાય છે.





