Home National Modi Indonesia Visit Brahmos Missile Deal

ઇન્ડોનેશિયા પ્રવાસે જશે વડાપ્રધાન મોદી : બ્રહ્મોસ મિસાઈલ ડીલ પર લાગી શકે છે મહોર

વડાપ્રધાન મોદી અને ઇન્ડોનેશિયાના નેતાઓ વચ્ચે સંભવિત સંરક્ષણ બેઠકનું પ્રતીકાત્મક દૃશ્ય.
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2026, 05:38 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી ઇન્ડોનેશિયાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. ખાસ કરીને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સિસ્ટમની તબક્કાવાર ખરીદી અંગે બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ પ્રગતિ થવાની શક્યતા છે.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચર્ચા માત્ર મિસાઈલ ખરીદી સુધી મર્યાદિત નહીં રહે. સંભવિત ડીલમાં કોસ્ટલ અને મોબાઈલ લોન્ચર, રડાર સિસ્ટમ, તાલીમ, મેન્ટેનન્સ તેમજ લાંબા ગાળાના ટેક્નિકલ સપોર્ટ પેકેજનો પણ સમાવેશ થઈ શકે છે. એટલે કે ઇન્ડોનેશિયાને સંપૂર્ણ સંરક્ષણ સિસ્ટમ પૂરી પાડવા પર ભાર મુકવામાં આવશે.

ઇન્ડો-પેસિફિકમાં ભારતની સંરક્ષણ કૂટનીતિને મળશે વધુ બળ

બ્રહ્મોસ મિસાઈલની નિકાસ ભારતની ઇન્ડો-પેસિફિક વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ બની રહી છે. ભારત વર્ષ 2022માં ફિલિપાઇન્સ સાથે આશરે 375 મિલિયન ડોલરની બ્રહ્મોસ ડીલ કરી ચૂક્યું છે, જે અંતર્ગત 2024થી ડિલિવરી શરૂ થઈ હતી. હવે ફિલિપાઇન્સ બાદ ઇન્ડોનેશિયા પણ બ્રહ્મોસ ખરીદનાર બીજો દેશ બની શકે છે. ઉપરાંત, વિયેતનામ સાથે પણ ભારતની સંરક્ષણ ચર્ચા આગળ વધી રહી છે.

વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાં બ્રહ્મોસનો સમાવેશ

ભારત અને રશિયાના સંયુક્ત સાહસ હેઠળ વિકસિત બ્રહ્મોસ મિસાઈલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંની એક ગણાય છે. તેની ઝડપ, ચોકસાઈ અને વિવિધ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવાની ક્ષમતાને કારણે અનેક દેશો તેમાં રસ દાખવી રહ્યા છે.

દરિયાઈ સુરક્ષા અને આસિયાન સાથે સહયોગ પર રહેશે ભાર

વડાપ્રધાન મોદીના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ અને હિંદ મહાસાગર તેમજ આસિયાન (ASEAN) ક્ષેત્રમાં વ્યૂહાત્મક તાલમેલને વધુ મજબૂત બનાવવાનો છે. બંને દેશો ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે પરસ્પર સહકાર વધારવા પર પણ ભાર મૂકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now