Home Gujarat Mla Gopal Italia Met Dycm

MLA ગોપાલ ઇટાલિયાએ DyCM સાથે કરી મુલાકાત : કહ્યું 'પાંચ માંગણીઓ અંગે રજૂઆત કરી છે'

MLA ગોપાલ ઇટાલિયાએ DyCM સાથે કરી મુલાકાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 11:47 AM IST

Gopal Italia DyCM Visit : વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે નાયબ મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેઓ વિસાવદરના ભેસાણ તેમજ જૂનાગઢ તાલુકાના આગેવાનોને સાથે લઈને નાયબ મુખ્યમંત્રીને મળ્યા હતા. મુલાકાતમાં આવનાર રાજ્ય બજેટમાં વિસ્તારના વિકાસ માટે પાંચ મહત્વપૂર્ણ માંગણીઓ માટે બજેટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.

'પાંચ મુખ્ય માંગણીઓ પર વિગતવાર ચર્ચા થઈ'

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, બેઠક દરમિયાન તેમની પાંચ મુખ્ય માંગણીઓ પર વિગતવાર ચર્ચા થઈ. પ્રથમ માંગણીમાં તેમણે જણાવ્યું કે, ભેસાણ તાલુકો ઔદ્યોગિક રીતે ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ ત્યાં જીઆઈડીસી (GIDC) નથી. જો ભેસાણમાં જીઆઈડીસી સ્થાપવામાં આવે તો સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મોટો ફાયદો થશે અને રોજગારીના નવા અવસરો સર્જાશે.

લાયબ્રેરી બનાવવાની રજૂઆત

બીજી માંગણી તરીકે તેમણે વિસાવદર નગરપાલિકા સહિત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આધુનિક અને સુવિધાસભર લાયબ્રેરી બનાવવાની રજૂઆત કરી હતી. હાલ વિદ્યાર્થીઓ માટે યોગ્ય લાયબ્રેરીની વ્યવસ્થા નથી, જ્યારે આલીશાન લાયબ્રેરી બનશે તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટા પાયે લાભ મળશે'.

એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપનાની માંગ

ત્રીજી માંગણીમાં તેમણે મગફળી સહિતના વિવિધ પાકોના ખેડૂતોને મૂલ્ય વર્ધક લાભ મળતો નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો. જો એગ્રોબેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવામાં આવે તો ખેડૂતોએ તૈયાર કરેલી પ્રોડક્ટ્સને સમગ્ર રાજ્યમાં અને બહાર મોકલી શકાય અને ખેડૂતોની આવકમાં વધારો થશે.

'કેરીને પણ પાક નુકશાની પાકમાં સમાવેશ કરવામાં આવે'

ચોથી માંગણીમાં ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં થતી કેરીના પાક અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેરીનો પાક મોટા પ્રમાણમાં થાય છે, છતાં હાલ પાક નુકશાની યોજનામાં કેરીનો સમાવેશ થતો નથી. તેથી કેરીને પણ પાક નુકશાનીમાં સમાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. પાંચમી અને મહત્વપૂર્ણ માંગણી તરીકે તેમણે ખેતી માટે 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી, જેથી ખેડૂતોને ખેતી કામગીરીમાં સરળતા રહે.

'નાયબ મુખ્યમંત્રી સાથે સકારાત્મક ચર્ચા થઈ'

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, 'નાયબ મુખ્યમંત્રી સાથે સકારાત્મક ચર્ચા થઈ છે અને તેમણે તમામ રજૂઆતોને ધ્યાનમાં લેવાની બાહેધરી આપી છે'. તેમણે વધુમાં જણાવ્યું કે, 'જો જીઆઈડીસી, લાયબ્રેરી અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જેવી મુખ્ય માંગણીઓ પૂર્ણ થશે તો તમામ આગેવાનો સાથે નાયબ મુખ્યમંત્રીનો જાહેર રીતે આભાર માનવા તેઓ ફરી મુલાકાત લેશે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now