મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મોટા યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા જાહેરાત કરી છે કે અમેરિકાનો વધુ એક નૌકાદળનો કાફલો (Armada) ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. ટ્રમ્પના આ નિવેદને વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને ધમકી આપી છે કે કાં તો તેઓ અમેરિકાની શરતો મુજબ નવા કરાર પર સહમત થાય, અથવા તો સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે.
‘USS અબ્રાહમ લિંકન’ તહેનાત: ઈરાનના અનેક શહેરો સ્ટ્રાઈક રેન્જમાં
અમેરિકાએ તેની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા ‘USS અબ્રાહમ લિંકન’ને મિડલ ઈસ્ટના ઝોનમાં તહેનાત કરી દીધું છે. આ એક ન્યુક્લિયર-પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર છે, જે વિશ્વના સૌથી વિનાશક યુદ્ધ જહાજોમાંનું એક ગણાય છે. હાલમાં આ જહાજ અરબ સાગરમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) હેઠળ કાર્યરત છે. રિપોર્ટ્સ મુજબ, આ જહાજની પહોંચ એટલી છે કે ઈરાનના મુખ્ય શહેરો અને સૈન્ય મથકો તેની સીધી સ્ટ્રાઈક રેન્જમાં આવી ગયા છે. આ ઉપરાંત, ઉત્તરી ઈરાન સરહદ નજીક તુર્કમેનિસ્તાનમાં અમેરિકાનું C 37-B એરક્રાફ્ટ પણ પહોંચી ગયું છે, જે ઈરાન પર દબાણ વધારવાની રણનીતિનો ભાગ છે.
અમેરિકાની ઈરાન સમક્ષ 4 કડક શરતો: શું ડીલ થશે?
ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથે વાતચીત કરવા માટે કેટલીક એવી શરતો મૂકી છે, જે ઈરાન માટે સ્વીકારવી મુશ્કેલ છે. અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે સમજૂતી માટે નીચે મુજબની 4 મુખ્ય શરતો જણાવી છે:
યુરેનિયમ સંવર્ધન પર સંપૂર્ણ પ્રતિબંધ: ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે રોકવો પડશે.
સંવર્ધિત યુરેનિયમનો નિકાલ: જે યુરેનિયમ પહેલેથી તૈયાર છે તેને દેશની બહાર મોકલવું પડશે.
મિસાઈલ પ્રોગ્રામ પર લગામ: લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલોની સંખ્યા અને ક્ષમતા મર્યાદિત કરવી પડશે.
પ્રોક્સી દળોને મદદ બંધ કરવી: હિઝબુલ્લાહ અને હુથી જેવા સંગઠનોને આર્થિક કે સૈન્ય મદદ આપવાનું બંધ કરવું.
ઈરાનનો વળતો પ્રહાર: ‘અમારી આંગળી ટ્રિગર પર છે’
અમેરિકાની આ ધમકીઓ સામે ઈરાને પણ ઝૂકવાનો ઇનકાર કર્યો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના કમાન્ડર મોહમ્મદ પાકપુરે જણાવ્યું હતું કે ઈરાનની સેના સંપૂર્ણપણે સજ્જ છે અને તેમની 'આંગળી ટ્રિગર પર છે'. જનરલ અલી અબ્દોલ્લાહીએ ચેતવણી આપી છે કે જો અમેરિકા કોઈ ભૂલ કરશે, તો મિડલ ઈસ્ટમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય અડ્ડાઓ અને ઇઝરાયેલ ઈરાની મિસાઈલોનું નિશાન બનશે.
ઇઝરાયેલની ‘સાત ગણી તાકાત’થી જવાબ આપવાની ચેતવણી
આ વિવાદમાં ઇઝરાયેલ પણ સક્રિય થયું છે. ઇઝરાયેલના મંત્રી નીર બરકાતે દાવો કર્યો છે કે પાછલી સૈન્ય કાર્યવાહીમાં ઈરાનની નબળાઈ ખુલ્લી પડી ગઈ છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાન ઇઝરાયેલ તરફ આંગળી પણ ચીંધશે, તો તેને 7 ગણી વધુ તાકાતથી તોડજોડ જવાબ આપવામાં આવશે. ટ્રમ્પ પણ ઈરાનમાં ‘સત્તા પરિવર્તન’ (Regime Change) ના પક્ષમાં હોય તેવું તેમના તાજેતરના નિવેદનો પરથી સ્પષ્ટ જણાય છે.
ઈરાનમાં આંતરિક અરાજકતા: 19 દિવસમાં 5000 ના મોત
ઈરાન અત્યારે માત્ર બહારથી જ નહીં, પરંતુ અંદરથી પણ મુશ્કેલીમાં છે. દેશમાં મોંઘવારી 70% ને પાર કરી ગઈ છે અને ઈરાની રિયાલ ડોલર સામે ઐતિહાસિક નીચલી સપાટીએ છે. છેલ્લા 19 દિવસમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોમાં અંદાજે 5000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ આર્થિક અને સામાજિક અસ્થિરતાનો લાભ લઈને અમેરિકા ઈરાન પર વધુ દબાણ બનાવી રહ્યું છે.





















