Mercedes-Benz : લક્ઝરી કાર બનાવતી જર્મન કંપની મર્સિડીઝ-બેન્ઝે ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ તેના પોર્ટફોલિયોમાંથી એકસાથે ચાર લોકપ્રિય મોડલોને હટાવી દીધા છે. આ નિર્ણય પાછળ કંપનીની ભવિષ્યની નવી રણનીતિ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. મર્સિડીઝ હવે ભારતમાં વધુ પ્રીમિયમ અને હાઇ-ટેક લાઇનઅપ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે.
કયા મોડલ બંધ થયા?
મર્સિડીઝ-બેન્ઝે તેની સત્તાવાર વેબસાઇટ પરથી A-ક્લાસ સેડાન, EQA, EQB અને EQE SUV ને ડિલિસ્ટ કરી દીધી છે. આ ચારેય કાર હવે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ મોડલોને હટાવવાનો અર્થ એ છે કે, કંપની હવે એન્ટ્રી-લેવલ સેગમેન્ટના બદલે વધુ કિંમતી અને મોડર્ન ટેકનોલોજી ધરાવતી કાર પર ભાર મૂકશે.
સૌથી સસ્તી મર્સિડીઝ હવે ભૂતકાળ
A-ક્લાસ લિમોઝીન ભારતમાં મર્સિડીઝની સૌથી સસ્તી કાર હતી, જેની કિંમત અંદાજે 44.46 લાખ રૂપિયાથી શરૂ થતી હતી. આ કાર બંધ થવાથી હવે કંપનીની સૌથી સસ્તી કાર GLA SUV બની ગઈ છે, જેની કિંમત 51.80 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આનો સીધો અર્થ એ છે કે, હવે મર્સિડીઝ ખરીદવા માટે ગ્રાહકોએ પહેલા કરતાં વધુ બજેટ રાખવું પડશે.
ઇલેક્ટ્રિક કારના લાઇનઅપમાં ફેરફાર
કંપનીએ માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં પણ ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પણ કાપ મૂક્યો છે. EQA અને EQB જેવી ઇલેક્ટ્રિક SUV હવે ભારતીય બજારમાંથી વિદાય લઈ રહી છે. EQE SUV જે 1.39 કરોડ રૂપિયાની કિંમતે મળતી હતી, તેને પણ બંધ કરવામાં આવી છે. આ ફેરફાર આગામી નવી ઇલેક્ટ્રિક કારો માટે રસ્તો સાફ કરવા માટે કરવામાં આવ્યો છે.
નવી CLA EV ની થશે એન્ટ્રી
આ તમામ ફેરફારો પાછળનું મુખ્ય કારણ 24 એપ્રિલ 2026 ના રોજ રજૂ થનારી ત્રીજી જનરેશનની CLA EV છે. આ નવી ઇલેક્ટ્રિક કાર 800-વોલ્ટની સિસ્ટમ સાથે આવશે અને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 792 કિમીની શાનદાર રેન્જ આપશે. આ કાર માત્ર 6.7 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે.






