Mehsana News : વિદેશ જવાના મોહમાં વધુ એક ગુજરાતી પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. મહેસાણાના કડી તાલુકાના બદલપુરા ગામનો એક પરિવાર યુરોપના પોર્ટુગલ જવાની આશાએ ઘરેથી નીકળ્યો હતો, પરંતુ એજન્ટોની છેતરપિંડીના કારણે તેઓ લિબિયામાં ફસાઈ ગયા હતા. ત્યાં આ પરિવારને ડગલે ને પગલે મોતનો સામનો કરવો પડ્યો હતો અને આખરે લાખો રૂપિયાની ખંડણી ચૂકવ્યા બાદ તેમનો માંડ-માંડ છુટકારો થયો છે.
પોર્ટુગલના વિઝા મળી જશે તેવી લાલચ આપી હતી
બદલપુરા ગામના વતની કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની અને માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકી સારા ભવિષ્યની આશાએ યુરોપ જવા નીકળ્યા હતા. ગત 29 નવેમ્બરે તેઓ અમદાવાદથી દુબઈ પહોંચ્યા હતા. પરિવારને હર્ષિત કમલેશભાઈ નામના એજન્ટે દુબઈથી સીધા પોર્ટુગલના વિઝા મળી જશે તેવી લાલચ આપી હતી. જોકે, દુબઈમાં બે દિવસ રાખ્યા બાદ એજન્ટોએ તેમને પોર્ટુગલને બદલે લિબિયાની ફ્લાઈટમાં બેસાડી દીધા.
એરપોર્ટ પરથી એજન્ટના માણસો આ પરિવારને એક હોટલમાં લઈ ગયા હતા
લિબિયા પહોંચતા જ એરપોર્ટ પરથી એજન્ટના માણસો આ પરિવારને એક હોટલમાં લઈ ગયા હતા. ત્યાં તેમના પાસપોર્ટ, મોબાઈલ ફોન અને તમામ પૈસા છીનવી લેવામાં આવ્યા હતા. અજાણ્યા દેશમાં, અજાણ્યા લોકો વચ્ચે આ પરિવારને બંધક બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું અને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
2 થી 2.5 કરોડની માંગણી કરી હતી
બંધક બનાવ્યા બાદ ખંડણીનો ખેલ શરૂ થયો હતો. અપહરણકર્તાઓએ વીડિયો કોલ કરીને પરિવારને મારવાની ધમકી આપી અને શરૂઆતમાં રૂ.2 થી 2.5 કરોડની માંગણી કરી હતી. મહેસાણામાં રહેલા પરિવારજનો માટે આ સમાચાર વીજળી સમાન હતા. ઉલ્લેખનીય છે કે, એજન્ટ હર્ષિતને અગાઉ જ રૂ.30 લાખ ચૂકવવામાં આવ્યા હતા, છતાં પરિવારના જીવના જોખમને કારણે ફરીથી મોટી રકમ એકત્ર કરવાની ફરજ પડી.
85 લાખમાં સોદો નક્કી થયો હતો
લાંબી રકઝક અને વાટાઘાટો બાદ આખરે રૂ.85 લાખમાં સોદો નક્કી થયો હતો. પરિવારજનોએ સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લીધા, દાગીના વેચ્યા અને ઓનલાઈન માધ્યમથી પૈસા ચૂકવ્યા હતા. 85 લાખની મોટી રકમ ચૂકવ્યા બાદ અપહરણકર્તાઓએ પરિવારને છોડ્યો હતો. હાલ આ પરિવાર સુરક્ષિત રીતે વતન પરત ફર્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે, જેમ એજન્ટોએ તેમને મોતના મુખમાં ધકેલ્યા, તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી ચાલી રહી છે.




















